દેશમાં વિકાસ રોલ મોડેલ ગુજરાતની વિકાસ સ્પર્ધા હવે વિશ્વ સાથે છે: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય મહામાર્ગ નિર્માણકાર્ય તેજીથી ચાલી રહ્યું છે. ત્યારે આગામી ત્રણ વર્ષમાં જ અમેરિકાના સ્ટાન્ડર્ડના માર્ગો બનાવી શકીશું. એક સમય હતો જયારે આપણે એક દિવસમાં માત્ર બે કિલોમીટર રસ્તો બનાવી શકતા હતા, આજે એક દિવસમાં ૩૮ કિલોમીટરનો રસ્તો બનાવવા સક્ષમ છીએ. નીતિન ગડકરીએ ભાર મુક્યો હતો કે, જો રાજ્ય સરકાર જમીન અધિગ્રહણના કાર્યો ઝડપી અને સમાધાનપૂર્વક કરાવે તો ધોરીમાર્ગ નિર્માણમાં હજુ પણ વધુ તેજીથી કામ કરી શકાય તેમ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતની સ્પર્ધા હવે વિશ્વ સાથે છે. વિકાસની રાજનીતિની જે પ્રણાલિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરી છે તે જ પદચિન્હો પર ચાલીને પાંચ વર્ષમાં સૌના સાથ સૌના વિકાસ મંત્રથી જનહિત કામોને દશેદિશાએ વેગવંતા બનાવ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, શાસન દાયિત્વના પાંચ વર્ષ પૂર્ણ થવાની આ કોઇ ઉજવણી નથી પરંતુ જનસેવા કામોના યજ્ઞને જન જન સુધી ઊજાગર કરવાનું અમારું આ અનુષ્ઠાન છે. વિજયભાઇ રૂપાણીએ એક જ દિવસમાં રાજ્યભરમાં એક મંચ પરથી એક સાથે રૂ. પ૩૦૦ કરોડના વિકાસ કામોની રાજ્યની જનતા જનાર્દનને કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ધરેલી ભેટ જે કહેવું તે કરવું ની વિચારધારાને પ્રગટ કરે છે તેવો મત વ્યકત કર્યો હતો. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમારી સરકારમાં કોઇ પણ કામની બજેટ જોગવાઇ, ટેન્ડર પ્રસિદ્ધિ, એજન્સી ફિકસ થવી અને ઝડપી-વેળાસર તે કામ પૂર્ણ થાય એવી કાર્યપદ્ધતિ વિકસાવી છે. એટલે જ જેના ખાતમૂર્હત અમે કરીયે તેના લોકાર્પણ પણ અમારા સમયમાં જ થાય છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે કોરોના કાળમાં બધુ સ્થગિત હતું છતાં ગુજરાતમાં વિકાસ કામોની ગતિ આપણે જારી રાખીને આ રૂ. પ૩૦૦ કરોડના કામો સહિત અનેક વિકાસ કામો પૂર્ણ કર્યા છે તે જ જનસેવાની અમારી પ્રતિબદ્ધતા છે. તેમણે જણાવ્યું કે, લાઇટ, પાણી, ગટર, રસ્તા જેવી માળખાગત સુવિધાઓના કામોથી આગળ વધી હવે ગુજરાત સ્માર્ટ સિટીઝ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ અને ઇઝ ઓફ લીવીંગ – હેપીનેસ ઇન્ડેક્ષની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે.
ઊર્જા, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ગરીબ, વંચિત, ખેડૂત હરેક વર્ગના લોકોને આજે વિકાસની અનૂભુતિ થાય, અહેસાસ થાય અને વિકાસમાં સહભાગી થયાનો હર્ષ પણ થાય તેવા જનહિતના પ્રકલ્પો, યોજનાઓ કાર્યો આ સરકારે જનતાને ભેટ આપ્યા છે. મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવ-૭પ વર્ષ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રાજ્ય સરકારે લોંચ કરેલી વતનપ્રેમ યોજનાને દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે પોતાના વતન ગામ-નગરના વિકાસ કામમાં ફાળો આપી માતૃભૂમિનું રૂણ અદા કરી શકનારી યોજના ગણાવી હતી. તેમણે કહ્યું કે, આ વતનપ્રેમ યોજના અન્વયે જે-તે ગામના વિકાસ કામોમાં ૪૦ ટકા ફાળો યોગદાન રાજ્ય સરકાર આપશે. વિજયભાઇ રૂપાણીએ સુશાસનના આ પાંચ વર્ષ અને લોકહિત કામોના આધાર ઉપર આવનારા વર્ષોમાં પણ વિકાસની પરાકાષ્ટા સર્જી નવા વાતાવરણ, નવતર ભવિષ્યની દૃષ્ટિ સાથે વિકાસની આ જ ગતિ જનતા જનાર્દનના આશીર્વાદથી વધુ ઝડપે આગળ વધારવાની નેમ પણ વ્યકત કરી હતી.
