ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગથી રાજ્યપાલ દેવવ્રતના હસ્તે શુભારંભ
Live TV
-
ભરૂચના નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસનો કાર્યક્રમ યોજાયો. નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલે સંબોધન કર્યું.
તેમણે કહ્યું કે, ઝારખંડના જમુઈ વિસ્તારના ખૂંટી ખાતે સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે બાથ ભીડી અને ભારતની આઝાદી માટે પોતાની સેના તૈયાર કરી હતી. તેમના એજ તેમની અદમ્ય શક્તિ, ન્યાયપ્રિયતા અને લોકો માટે લડવાના તેમના સાહસને આજે આપણે સૌ યાદ કરીએ છીએ. નાની ઉંમરે કરેલા મહાન કાર્યો બાદ ક્રાંતિકારી, પ્રગતિવાદી ભગવાન બિરસા મુંડાનું મૃત્યુ પણ કોઈ સામાન્ય બાબત નથી, તે આદિવાસી સમાજ સહિત સૌ કોઈ માટે પથદર્શક અને પ્રેરણા પૂરી પાડનાર છે. માત્ર એટલું જ નહીં પણ આદિવાસી સમાજમાં તે સમયે પ્રવર્તતા કેટલાક કુરિવાજો અને વિકાસ માટેના અવરોધોને દૂર કરી અંધવિશ્વાસમાંથી બહાર લાવી, યુવાનોમાં જોવા મળતા વ્યસનોને દૂર કરી તેમણે આદર્શ જીવન જીવવાનો નવો રાહ ચીંધ્યો હતો.
આદિવાસી સમુદાયની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે હાલમાં ગુજરાત સરકાર વિવિધ તબક્કે અલાયદા બજેટની જોગવાઈ થકી આદિવાસી સમાજના વિકાસને વેગવાન બનાવી રહી છે. તેમણે કહ્યું પ્રધાનમંત્રીએ જનજાતિ સમુદાયના બાળકોના શિક્ષણ માટે અંતરિયાળ વિસ્તારોમાં મોડેલ સ્કૂલો, રેસિડેન્સિયલ શાળાઓના માધ્યમથી શિક્ષણની જ્યોતને વધુ મજબૂત કરી આદિવાસી સમુદાયના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. શહેર જેવી જ સુવિધા ગામડાઓમાં મળી રહે તે માટે અનેક માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી.