મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
Live TV
-
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે મુંબઈના પ્રવાસે જશે. મુખ્યમંત્રી મુંબઈમાં તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં 4 જનસભાઓને સંબોધન કરવાના છે.
શનિવારે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દહીંસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા' માં સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. બાંદ્રા કુર્લાના ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે પણ સંવાદ કરશે. બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. આ જનસભામાં મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સંગઠનોના પ્રતિનિધિઓ જોડાશે.
શનિવારે સાંજે વર્સોવા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં જોગેશ્વરીના મહાડા ગ્રાઉન્ડ ખાતે આયોજિત સભામાં સંબોધન કરશે. ત્યારબાદ અંધેરી વિધાનસભા ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં સભા સંબોધશે. આ સભા પૂર્ણ કરીને ઘાટકોપર ઇસ્ટ વિધાનસભા મતક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં જનસભાને પોલીસ હોકી ગ્રાઉન્ડ ખાતે સંબોધન કરવાના છે. મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે.