ન.પાલિકા-તાલુકા પંચાયતમાં યોજાઈ પ્રમુખ-ઉપપ્રમમુખની ચૂંટણી
Live TV
-
રાજ્યમાં વિવિધ નગરપાલિકાઓમાં પ્રમુખ- ઉપ પ્રમુખની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.વિવિધ નગરપાલિકાઓમાં યોજવામાં આવેલી ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંક બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તો ક્યાંક રસાકસીભર્યા માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ હતી.
કોરોનાના કપરાકાળ અને વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં કેટલીક નગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતા. છોટાઉદેપુર નગરપાલિકાની વાત કરીએ તો, અહીં પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચૂંટણીમાં પાલિકાના પ્રમુખ તરીકે BSPના નરેનભાઈ જયસ્વાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા..જ્યારે ઉપપ્રમુખ તરીકે પણ BSPના ઝાકીરભાઈ દડી 17 મત મેળવી વિજેતા બન્યા હતા. આમ કુલ 28 સભ્યો પૈકી BSP 9, કોંગ્રેસ-8, BJP-4, BTP- 2 અને 5 અપક્ષ સભ્યો હતા.
દ્વારકા નગરપાલિકાનાં પ્રમુખ ઉપ-પ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે જ્યોતિબેન સમાની અને ઉપપ્રમુખ તરીકે પ્રકાશ વાઘેલાની બિન હરીફ વરણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.પાલિકા પ્રમુખ તરીકે જ્યોતિબેનની આ બીજી વખત પ્રમુખ તરીકે જવાબદારી ભાજપ અગ્રણીઓ દ્વારા સોંપવામાં આવી છે. ત્રણ-ત્રણ મહિલાઓ વચ્ચેની હરિફાઈમાં રઘુવંશી મહિલા આગેવાન જ્યોતિબેન ઉપર પસંદગીનો કળશ ઢોળાયો હતો.
લુણાવાડામાં પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે રસાકસીભર્યા માહોલમાં ચૂંટણી યોજાઈ. જેમાં એનસીપીના પાલિકા સભ્ય બ્રિન્દાબેન શુક્લને પ્રમુખ પદ માટે અને કોંગ્રેસના મીનાબેન પંડ્યાને ઉપપ્રમુખપદ માટે વિજેતા જાહેર કરાયા હતા. ભાજપના ત્રણ સભ્યોએ પણ પક્ષમાં બળવો કરીને એનસીપીના પ્રમુખ અને કોંગ્રેસના ઉપપ્રમુખને ટેકો જાહેર કર્યો હતો.
રાજુલા નગરપાલિકાના સભ્યો દ્વારા સર્વસંમતિ મુજબ પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ લાખાણી અને ઉપપ્રમુખ તરીકે દીપકભાઈ ઠકોરની નિમંણૂક કરાઈ હતી. રાજુલા નગરપાલિકા અઢી વર્ષ પહેલા ચૂંટણી યોજાય હતી બાદમાં ફરી પાંચ વાર નગરપાલિકાના પ્રમુખની નિમણૂક કરાઈ છે.
આણંદ જિલ્લાની 5 નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં વિદ્યાનગર પાલિકામાં પ્રમુખ પદે પ્રકાશભાઇ માછી, ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રભાઇ પટેલના નામ વરણી કરાઈ, જ્યારે કરમસદ પાલિકામાં પ્રમુખપદે નિલેશભાઇ પટેલ તેમજ ઉપપ્રમુખ પદે દર્શનાબેન પટેલની વરણી કરવામા આવી. આ સાથે ઓડ નગરપાલિકામા પ્રમુખ પદે મીનાબેન તળપદા તેમજ ઉપપ્રમુખ પદે રમણભાઇ રાઉલજી, તો બોરીયાવી પાલિકામાં પ્રમુખ પદે મફતભાઇ રાઠોડ, ઉપપ્રમુખ પદે અમરસિંહ રાઠોડ તેમજ આંકલાવ પાલિકામાં પ્રમુખ પદે સંતોલભાઇ પટેલ, ઉપપ્રમુખ જયાબેન પરમારના નામની વરણી કરાઈ હતી.
અલગ-અલગ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની વરણી થતા કાઉન્સિલર દ્વારા મોં મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ સરકારના વિકાસના કામો લોકો સુધી પહોચડવાનો સંકલ્પ કરાયો હતો.
