નર્મદાના પાણીથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો ચાણોદ અને કરનાળીમાં પૂરના પાણી ઓસરતા સફાઈ કામગીરી
Live TV
-
વડોદરા જિલ્લામાં નર્મદા અને મહી નદીના પૂરના કારણે પ્રભાવિત થયેલા વિસ્તારોમાં જનજીવન ધીમે-ધીમે થાળે પડી રહ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરજોશમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે. કુદરતી વિપદામાં જિલ્લા પ્રશાસન સંવેદનશીલતાથી પૂર અસરગ્રસ્તોની પડખે ઉભું છે. ડભોઈ તાલુકાના સૌથી વધુ અસરગ્રસ્ત ચાણોદ અને કરનાળી ગામની આજ બપોરની સ્થિતિની વાત કરીએ તો, અહીં એકાદ સ્થળ છોડીને બધી જ જગ્યાએ સાફ-સફાઈ થઈ ગઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા પાણીનું ક્લોરિનેશન, ટી. સી. એલ. પાવડરનો છંટકાવ પણ થઈ ચૂક્યો હતો. વીજ વિભાગના કર્મચારીઓની ફૌજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરતી જોવા મળી હતી અને વીજ પુરવઠો પણ પૂર્વવત થઈ ચૂક્યો હતો. તો ચાંદોદ ગામમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઠિત સર્વે ટીમ નુકસાનીનો સર્વે કરી રહી હતી. કરનાળીમાં પણ જનજીવન સામાન્ય થઈ ગયું છે. શ્રદ્ધાળુઓ પણ અહીં નિર્ભય રીતે જોવા મળ્યા હતા. ચાણોદ અને કરનાળીમાં રોગચાળો અટકાવવા માટે મેડિકલ અને પેરામેડિકલનો સ્ટાફ સતત ખડે પગે છે. ક્લોરિન ગોળી તેમજ ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મેડિકલ કેમ્પ દ્વારા તપાસ કરી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ પ્રશાસનની કામગીરીને બિરદાવી હતી.
