નર્મદા ડેમની મુખ્ય કેનાલમાંથી છોડાયુ 5307 ક્યુસેક પાણી
Live TV
-
સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ, વિરમગામ, પાટડી, માંડલ, હારીજ, રાધનપુર સહિતના અનેક વિસ્તારોને મળશે નર્મદાના નીર.
ગુજરાત સરકાર દ્વારા અષાઢી બીજથી રાજ્યમાં સિંચાઇની જરૂરિયાતવાળા વિસ્તારો માટે નર્મદા ડેમમાંથી પાણી પહોંચાડવાની જાહેરાત કરાઇ હતી. જે અંગે આજે તા.૪ થી જુલાઇના સવારે ૮-૦૦ કલાકે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે ડેમની મુખ્ય નહેરમાંથી 5,307 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જે અંગે મદદનીશ ઇજનેર વિકાસ ખોડાએ જણાવ્યું હતું કે, આ સિંચાઇ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ-થરાદ, રાપર અને ભચાઉના વિસ્તારોમાં પુરું પડાશે.
ગઇકાલ સુધી માત્ર પીવાના પાણી માટે 2800 ક્યુસેક પાણીનો જથ્થો છોડાતો હતો. નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે તા.૪ થી જુલાઇના રોજ સવારે ડેમમાં ૧૬ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેને લીધે આજે સવારે ડેમની સપાટી 120.03 મીટર પાણી છે, તેમ નર્મદા ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.યુ. દલવાણીએ જણાવ્યુ હતું.
