નવસારીના યુવાનો માટે સેના અને પોલિસમાં ભરતી થવા ફિટનેસ સેન્ટર
Live TV
-
ફિઝિકલ ફિટનેસ સેન્ટરમાં યુવાનોને તાલીમ આપશે આર્મીના નિવૃત જવાનો.
નવસારી જુનાથાણા ખાતેની જુની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં નવસારી જિલ્લા મોજી વેલફેર એસોસિએશન દ્વારા નાયબ મુખ્ય દંડક અને જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ તથા વહીવટીતંત્રના સહયોગથી સેનામાં અને પોલિસમાં ભરતી ઇચ્છતા યુવાનો માટે પ્રિ-રીક્રુટમેન્ટ તાલીમ અને ફિઝિકલ ફિટનેસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ફિટનેસ સેન્ટરમાં યુવાનો પ્રાથમિક ફીજિકલ તાલીમ નિવૃત આર્મીના જવાનો દ્વારા આપવામાં આવશે.
ફિઝિકલ ફિટનેસ સેન્ટર બનાવવા જલાલપોર ધારાસભ્ય ગ્રાંટમાંથી રૂા.ત્રણ લાખ, નવસારી ધારાસભ્ય ગ્રાંટમાંથી રૂા.બે લાખની ગ્રાંટ અને નવસારી વહીવટી તંત્રના વડા રવિ કુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ જમીન ફાળવવામાં આવી છે. નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લા માજી સૈનિક વેલ્ફેર એસોસિએશન દ્વારા સેનામાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે પ્રેરણાત્મક કાર્ય થયું છે. યુવાનોને ઘરઆંગણે તાલીમ મળી રહેશે. તેમણે દક્ષિણ ગુજરાતના યુવાનોને આર્મીની ત્રણેય પાંખમાં જોડાવા પુરતી તાલીમ અને માર્ગદર્શન મળી રહે તે માટે દક્ષિણ ગુજરાતમાં સૈનિક સ્કુલ બને તે માટે પુરતો પ્રયાસ અને સહયોગની ખાતરી આપી હતી. તેમજ લોકો કોઇપણનો પણ જન્મદિવસ ઉજવે તે સમયે ખોટો ખર્ચ બંધ કરી, આર્મીના પરિવારો માટે સૈનિક વેલફેર ફંડમાં નાણાં આપવા અપીલ કરી હતી.
નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ નિવૃત સેનાના અધિકારી-જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નવસારીમાં દેશની રક્ષા કાજે જોડાવા ઇચ્છતા યુવાનોને સારી તક મળશે. તેમણે યુવાનોને સારી તાલીમ મળે તે માટે પુરતા સહયોગની ખાતરી આપી હતી. નિવૃત કર્નલ અમૃતલાલ મકવાણાએ ખુશી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, નિવૃત જવાનોને યુવાનોને તાલીમ આપવાની તક પદાધિકારીઓ અને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે. નવસારીના યુવાનોને આર્મીમાં જવા ફિઝિકલ ફિટનેસ સાથે લેખિત પરીક્ષાની પણ તાલીમ આપશે. નવસારી જિલ્લાના વધુમાં વધુ યુવાનો તાલીમમાં જોડાઇને દેશની રક્ષામાં ભાગીદાર બને તેવો અમારો પ્રયાસ રહેશે. પુર્વ સેનિક પરિષદ ગુજરાતની ટીમ અને વડોદરાની ટીમ પણ પુરતો સહયોગ આપી રહી છે.