નાગરિકોની પરિવહન સેવામાં વધારો, મુખ્યમંત્રીએ 201 બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
Live TV
-
આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી. અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટીવીટી, અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય અને છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આ સેવાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 અને 2023-24માં મળી કુલ 2,812 જેટલી નવીન બસો પૂરી પાડવાનું આયોજન છે. જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપરકોચ મળી કુલ 201 નવીન બસોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ બસો 33 જિલ્લાના 78 ડેપો દ્વારા 125 વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.
ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા દરરોજ 8,000થી વધુ બસોથી રાજ્યમાં કુલ 33 લાખ કિલોમીટર રૂટનું સંચાલન કરી, 25 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વાર-તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ દોડાવવામાં આવે છે. નવીન બસોના લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઈ મકવાણા, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના એમ. ડી. એમ. એ. ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.