નીતિન પટેલે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે નિર્મિત અને નિર્માણાધીન બિલ્ડીંગ સ્થળની મુલાકાત લીધી
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત અને નિર્માણાધીન બિલ્ડીંગ સ્થળની મુલાકાત લીધી હતી. રૂવાપરી ખાતે આવેલ લેપ્રસી હોસ્પિટલની પણ તેમણે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ જિલ્લામાં આરોગ્ય માળખાને સુદ્દઢ બનાવવા મહત્વની જાહેરાતો કરી હતી. જે અંતર્ગત સર ટી. હોસ્પિટલ ખાતે મહિલાઓ અને બાળકો માટે ૩૦૦ બેડની ૧૧ માળની નવી હોસ્પિટલ બનાવાશે. સાથે જ ભાવનગરમાં દવાઓના સ્ટોકના સંગ્રહ માટે લેપ્રેસી હોસ્પિટલ ખાતે દવાઓ માટેનું ગોડાઉન બનશે. તેમજ લેપ્રસી હોસ્પિટલ ખાતે ૫૦ બેડની મેન્ટલ હોસ્પિટલ પણ ઊભી કરાશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભાવનગરને જોડતા માર્ગોને ચાર માર્ગીય બનાવવા માટે ફેઝ-૨ના કામની પણ શરૂઆત કરાશે. નાયબ મુખ્યમંત્રીએ સર ટી. હોસ્પિટલના કેન્સર વિભાગમાં કેન્સરની આધુનિક સારવાર માટે નવા વસાવવામાં આવેલ રૂપિયા 25 કરોડના વિવિધ સાધનો-ઉપકરણોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ આધુનિક સાધનો અંગે માહિતી મેળવી હતી.
