પંચમહાલ: દર્દીનો કપ્પા વેરિએન્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાનું આરોગ્ય વિભાગ હરકતમાં
Live TV
-
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મુવાડા ગામેથી ગત જૂન માસમાં મળી આવેલા કોરોના દર્દીનો કપ્પા વેરિએન્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીના સ્વજન સહિત દર્દીનાં સંપર્કમાં આવનાર 50 જેટલા વ્યક્તિઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 28 જેટલા વ્યક્તિઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ દર્દીના સંપર્કમાં આવેલા અને દર્દીની અંતિમવિધિમાં જોડાયેલા વ્યક્તિઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ ખાતે મૃત્યુ પામેલા અને કપ્પા વેરીએન્ટ કોરોના દર્દીને ડાયાબીટીસ તેમજ ગેંગરીનની બીમારી પણ હોવાનું સામે આવ્યુ છે.
પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકાનાં પઢીયાર ગામના અંદરના મુવાડા ખાતે રહેતાં પ્રવિણભાઇ પટેલને પગની ટચલી આંગળી પર વાગતાં પગ સુઝી જતાં સારવાર ગોધરાની ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં કરાઇ હતી. જે બાદ અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં તેઓનો રિપોર્ટ કરાવતાં ડાયાબિટીસ હાઇ મળતા દવા કર્યા બાદ ઓપરેશન કરાવ્યું હતું. તેઓને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની સારવાર દરમિયાન પ્રવિણભાઇ પટેલનું 30 જૂને મૃત્યુ થયું હતું. તેમના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલતાં 23 દિવસ બાદ કપ્પા વેરિયન્ટ હોવાનો રિપોર્ટ આવ્યો હતો.
