પાટડી તાલુકાના ચિકાસર ગામે છાત્રાઓએ હાથમાં મહેંદી મૂકી મતદાન જાગૃતિની મહેક પ્રસરાવી
Live TV
-
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં આગામી દિવસોમાં જયારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મહતમ મતદાન થાય તે માટે ચૂંટણી અધિકારી કે.સી.સંપટનાં માર્ગદર્શન હેઠળ ‘સ્વીપ’ અભિયાન અંર્તગત મતદાન જાગૃતિ અંગે જુદી જુદી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. દેશની ભાવિ પેઢીને મતદાન માટે જાગૃત કરવા શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાઈ રહ્યા છે.
લોકશાહીના આ મહાપર્વને ઉજવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા ચિકાસર ગામે શ્રી ચિકાસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ હાથમાં મહેંદી મૂકી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. કોઈપણ સારા પર્વ કે પ્રસંગમાં યુવતીઓ હોંશે હોંશે હાથમાં મહેંદી સજાવતી હોય છે ત્યારે દેશની લોકશાહીના આ મહાપર્વમાં યુવતીઓ કેમ ન જોડાઈ! શાળાની છાત્રાઓએ કલાત્મક ડિઝાઇન સાથે “ચુનાવ કા પર્વ, દેશકા ગર્વ” જેવા મતદાન કરવા પ્રેરિત કરતાં સ્લોગન ચિતરાવી જનજાગૃતિની મહેક પ્રસરાવી હતી.