પૂરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર સાથે મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સ
Live TV
-
રાજ્યમાં ભારે વરસાદને પરિણામે સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. વરસાદથી વધુ પ્રભાવિત થયેલા ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, કચ્છ અને મોરબી જિલ્લાના કલેક્ટર્સ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત જિલ્લાઓમાં માલમિલકતને, પશુઓને, તથા ખેતીવાડી, વીજળી, પાણી-પુરવઠા, વગેરેને થયેલા નુકસાનની પ્રાથમિક વિગતો મેળવી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરોએ તેમના જિલ્લાઓમાં કેશડોલ્સ ચૂકવણી અને ઘરવખરી સહાય આપવાની કામગીરી તત્વરે હાથ ધરાશે તેની મુખ્યમંત્રીને ખાતરી આપી હતી. આ જિલ્લાઓમાં અન્ય માલમિલકત તથા ખેતીવાડીને થયેલા નુકસાનીનો પ્રાથમિક સર્વે પણ વરસાદ રહી જતાં હવે આગામી દિવસોમાં હાથ ધરવા માટે જિલ્લા સ્તરે સર્વે ટીમ કાર્યરત કરવાના આયોજન કરાશે. વરસાદે વિરામ લીધા પછી હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં કાદવ-માટી-કાંપ દૂર કરવા, માર્ગોની મરામત કરવા સાથે આડશો દૂર કરવી, પાણીનું ક્લોરિનેશન, જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને રોગચાળો ફેલાતો અટકાવવા અને અન્ય આરોગ્યલક્ષી પગલાંઓ પણ વેગવાન બનાવવામાં આવી રહ્યા છે, તેવુ વિવિધ કલેક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારને રાજ્ય સ્તરે સંબંધિત વિભાગો સાથે આ અંગે વિગતવાર આયોજન માટે પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા.
