પ્રકૃતિ, આસ્થા અને આદિવાસી લોકસંસ્કૃતિનું અનોખું સંગમ: અરણાઈના ગરમ પાણીના કુંડ
Live TV
-
નાનાપોંઢા તાલુકાના અરણાઈ ગામમાં આવેલા કુદરતી ગરમ પાણીના કુંડ પ્રકૃતિ, આસ્થા અને આદિવાસી લોકસંસ્કૃતિના અનોખા સંગમ તરીકે ઓળખાય છે.
પાર નદી, ડુંગરાળ વિસ્તાર અને ગાઢ જંગલોથી ઘેરાયેલું અરણાઈ દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળોમાંનું એક છે. સ્થાનિક તળપદી બોલીમાં અરણાઈને ‘અઢણાઈ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.જમીનની અંદરની ભૂ-તાપીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભ જળ ગરમ થઈ સપાટી પર આવતું હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક લોકોમાં આ ગરમ પાણીના કુંડ અંગે અનેક લોકવાયકાઓ પ્રચલિત છે. ગામના વડીલોના જણાવ્યા મુજબ, એક માન્યતા ભગવાન શ્રીરામના વનવાસ સાથે જોડાયેલી છે. લોકવાયકા અનુસાર, સીતાજીને સ્નાન કરવાની ઈચ્છા થતાં ભગવાન શ્રીરામે બાણ મારી જમીનમાંથી ગરમ પાણીનો ઝરો પ્રગટ કર્યો હતો. અરણાઈમાં ભગવાન શ્રીરામનું પ્રાચીન મંદિર પણ આવેલું છે.સ્થાનિક પરંપરા અનુસાર અહીંના કુંડને રામ કુંડ, સીતા કુંડ અને લક્ષ્મણ કુંડ તરીકે ઓળખવામાં આવે છે. ગરમ પાણીના કુંડને સ્થાનિક લોકો આસ્થા સાથે જોડે છે અને તેના પાણીમાં ઔષધીય ગુણ હોવાની માન્યતા પણ પ્રચલિત છે.અરણાઈનું કુદરતી સૌંદર્ય અને ધાર્મિક-સાંસ્કૃતિક મહત્વ તેને સંભવિત પ્રવાસન સ્થળ બનાવે છે. રસ્તા અને વાહનવ્યવહારની સુવિધામાં વધારો થતાં અહીં પ્રવાસીઓની અવરજવર પણ વધી છે. જો કુંડની સ્વચ્છતા, જળસ્રોતનું સંરક્ષણ, પર્યાવરણની જાળવણી અને સ્થાનિક આદિવાસી પરંપરાઓનું સન્માન જાળવીને સુવ્યવસ્થિત વિકાસ કરવામાં આવે તો ગ્રામ્ય પ્રવાસન અને સ્થાનિક રોજગારી માટે નવી તકો ઊભી થઈ શકે છે.ધરમપુરથી આશરે ૨૩ કિ.મી.ના અંતરે આવેલા અરણાઈ ગરમ પાણીના કુંડ સુધી મોટી વહીયાળ, પાનસ ખુંટલી અને નાનાપોંઢા-આમધા માર્ગે પહોંચી શકાય છે. ધરમપુરથી બિલપુડી, માકડબંધ અને ધામણી થઈને પણ અરણાઈ પહોંચી શકાય છે.
