વડનગરમાં ભવ્ય ‘મૃત્યુંજય સ્પર્ધા’, 108 ઋષિકુમારોએ કરાવ્યો શિવમય માહોલ
Live TV
-
શ્રાવણ માસના ત્રીજા સોમવારે ઐતિહાસિક વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ‘મૃત્યુંજય સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન-1થી ઝોન-4ના 108 જેટલા પ્રતિભાશાળી ઋષિકુમારો વચ્ચે સેમિફાઇનલ સ્પર્ધા યોજાઈ હતી.
કમિશનર, શાળાઓની કચેરી, ગાંધીનગર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધાની શરૂઆત 17 ઓગસ્ટથી કરવામાં આવી હતી. સ્પર્ધા પૂર્વે ઋષિકુમારો દ્વારા કરવામાં આવેલા મંત્રોચ્ચાર સમયે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પી.સી. બરંડા અને શ્રમ, કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ ઉપસ્થિત રહી ઋષિકુમારોનો ઉત્સાહ વધાર્યો હતો.સ્પર્ધામાં શુક્લ યજુર્વેદ સસ્વર રુદ્રાષ્ટાધ્યાયી પંચમ અધ્યાય એટલે કે રુદ્રસૂક્ત તેમજ શિવ મહિમ્ન સ્તોત્ર કંઠપાઠની સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યભરની માન્ય સંસ્કૃત પાઠશાળાઓ અને મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરા પ્રત્યે રુચિ કેળવવા તેમજ મહામૃત્યુંજય મંત્ર અને હાટકેશ્વર મહાદેવના મહિમા વિશે જાગૃતિ લાવવાનો છે.આ પ્રસંગે કમિશનર શાળાઓની કચેરીના નાયબ નિયામક કિશનભાઈ વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદભાઈ ત્રિવેદી સહિત સંસ્કૃત મહાવિદ્યાલયોના મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. ઋષિકુમારોના મંત્રોચ્ચાર અને વેદપાઠથી હાટકેશ્વર મંદિર પરિસર શિવમય બની ગયું હતું.
