પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શિક્ષણ વિભાગ સહિત અન્ય વિભાગોના 5 હજાર 206 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શિક્ષણ વિભાગ સહિત અન્ય વિભાગોના 5 હજાર 206 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે છોટાઉદેપુરના બોડેલી ખાતે તેઓ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીં તેઓ જનસભા સંબોધશે. સાથે જ શિક્ષણ વિભાગ સહિત અન્ય વિભાગોના 5 હજાર 206 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જિલ્લા તંત્રએ કાર્યક્રમ સ્થળ માટેની તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે. શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મિશન સ્કૂલ ઑફ એક્સલેન્સ અંતર્ગત 4 હજાર 505 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરશે. જેમાં 9 હજાર 88 નવીન વર્ગખંડો, 50 હજાર 300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19 હજાર 600 કમ્પ્યૂટર લેબ્સ, 12 હજાર 622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમ જ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રધાનમંત્રી 22 જિલ્લાઓના 7 હજાર 500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઉપરાંત 277 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમ જ 80 કરોડના ખર્ચે પાણી પૂરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો દાહોદ ખાતે 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમ જ 10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટૂડિયોનું પણ તેઓ લોકાર્પણ કરશે.