પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીએ રાજકોટમાં કરશે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'નું ઉદઘાટન
Live TV
-
2026 રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આગામી 11મી જાન્યુઆરીએ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ગુજરાતનું અગ્રણી કેન્દ્ર છે. આ કોન્ફરન્સથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મોટું પ્લેટફોર્મ મળશે અને આગામી દિવસોમાં આ પ્રદેશમાં મોટાપાયે નવું રોકાણ આવશે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા બાદ આ બીજી સફળ રિજનલ કોન્ફરન્સનું આયોજન રાજકોટમાં થઈ રહ્યું છે.
રાજ્ય સરકારના 'ઉદ્યોગકારોની પડખે' રહેવાના અભિગમ વિશે માહિતી આપતા હર્ષ સંઘવીએ ઉમેર્યું.ઉદ્યોગકારોની મુશ્કેલીઓ અને રજૂઆતોનો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ.રાજ્યના 10,435 ઉદ્યોગકારોને પ્રોત્સાહક સહાયનું વિતરણ કરવામાં આવ્યું. ટેક્સટાઇલ, પર્યાવરણ અને લઘુ ઉદ્યોગોની વિવિધ યોજનાઓ હેઠળ 137 ઉદ્યોગકારોને ₹661.73 કરોડના મંજૂરીપત્રો એનાયત કરાયા.પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ આ બેઠકને આવકારતા જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોના નીતિવિષયક પ્રશ્નોનો રાજ્ય સ્તરેથી તાત્કાલિક નિકાલ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે રાજ્યની અર્થવ્યવસ્થામાં વેપારીઓ અને ઉદ્યોગકારોના પ્રદાનને બિરદાવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા, ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઇ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, દુર્લભજી દેથરીયા અને જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
