Skip to main content
Settings Settings for Dark

પ્રાકૃતિક કૃષિથી પકવેલી હળદરનું મૂલ્યવર્ધન કરી કાળુભાઈએ ખેત-પેદાશની 'બ્રાન્ડ' બનાવી

Live TV

X
  • સામાન્ય રીતે ખેતીને માત્ર એક પરંપરાગત વ્યવસાય ગણવામાં આવે છે, પરંતુ જો તેમાં કોઠાસૂઝ, સાહસિકતા અને આધુનિક અભિગમ ઉમેરાય તો તે ઉત્કૃષ્ટ અને નફાકારક સાહસ બની શકે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના એવા વડોદ ગામના 70 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ પટેલે આ વાત સાર્થક કરી બતાવી છે. તેમણે સાબિત કર્યું છે કે ખેડૂત માત્ર અન્નદાતા કે કાચો માલ ઉત્પન્ન કરનાર ન રહેતા જો પોતે પ્રોસેસર અને વિક્રેતા બને, તો ખેતી ક્યારેય ખોટનો ધંધો નથી રહેતી.

    કાળુભાઈ પાસે કુલ 10 એકર જમીન છે, જેમાંથી 4 એકરમાં તેઓ છેલ્લા 13-14 વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. કાગવડ ખાતે યોજાયેલા એક કૃષિ મેળામાંથી તેમને પ્રાકૃતિક હળદરની ખેતીની પ્રેરણા મળી હતી. શરૂઆતમાં તેમણે પોતાના પડતર ખેતરમાં માત્ર 1 એકરથી આ પ્રયોગ શરૂ કર્યો હતો, જે આજે સફળતાપૂર્વક 4 એકર સુધી વિસ્તર્યો છે.

    કાળુભાઈનું સ્પષ્ટપણે માનવું છે કે માત્ર કાચો માલ વેચવા કરતાં તેનું પ્રોસેસિંગ કરીને મૂલ્યવર્ધન કરવામાં આવે તો ખેડૂતને પોતાની મહેનતનું સાચું વળતર મળે છે. હળદરને સીધી બજારમાં વેચવાને બદલે તેમણે અંદાજે રૂ. 5 લાખના ખર્ચે ઘરે જ સ્ટીમ બોઈલર, પોલિશિંગ મશીન અને પલ્વરાઈઝર ધરાવતું પ્રોસેસિંગ યુનિટ સ્થાપ્યું છે. આ યુનિટ માટે તેમને બાગાયત ખાતા તરફથી અઢી લાખ રૂપિયાની સહાય પણ મળી છે.

    આ યુનિટમાં હળદરને પાણીમાં બાફવાને બદલે વરાળથી બાફવામાં આવે છે, જેથી તેના તમામ ગુણકારી અને ઔષધીય તત્ત્વો જળવાઈ રહે છે. ત્યારબાદ તેને સૂકવીને પોલિશિંગ કરી શુદ્ધ પાવડર બનાવવામાં આવે છે. આ ઉપરાંત, તેઓ લીલી હળદરનું અથાણું અને મુખવાસ પણ જાતે તૈયાર કરે છે. "શક્તિ ઓર્ગેનિક" બ્રાન્ડ નામ હેઠળ પરિવારના સભ્યોની મદદથી જ પેકિંગ કરવામાં આવે છે.સામાન્ય બજારમાં હળદરના રૂ. 150 પ્રતિ કિલોના ભાવ સામે કાળુભાઈ તેનો પાવડર રૂ. 350 પ્રતિ કિલો અને અથાણું રૂ. 440 પ્રતિ કિલોના ભાવે વેચે છે. GOPCAનું ઓર્ગેનિક સર્ટિફિકેટ ધરાવતા આ ઉત્પાદનો માત્ર માઉથ-ટુ-માઉથ પ્રચારથી વેચાય છે. આ મૂલ્યવર્ધનને કારણે તેઓ માત્ર 4 એકરમાંથી વાર્ષિક રૂ. 10 થી 11 લાખની મબલખ આવક મેળવી રહ્યા છે.

    કાળુભાઈ માત્ર હળદર પૂરતી ખેતી સીમિત રાખતા નથી. 8 મહિનાની હળદરની ખેતી બાદ બાકીના સમયમાં તેઓ મગ, તલ કે બાજરી જેવા ટૂંકા ગાળાના પાક લે છે. બાકીની 6 એકર જમીનમાં કપાસ અને તુવેરનું આંતરપાક તરીકે વાવેતર કરે છે. તુવેરના મૂળ જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન ઉમેરે છે અને પોટાશ માટે તેઓ આંકડાનો બોળો વાપરે છે, જેનાથી રાસાયણિક ખાતરનો ખર્ચ શૂન્ય થઈ જાય છે. તેમની આ મહેનતનું પરિણામ છે કે તેમની જમીનનો ઓર્ગેનિક કાર્બન આજે ઉત્તમ એટલે કે ૦.૯૪% પર પહોંચ્યો છે. તેમની કોઠાસૂઝથી તેમણે જાતે જ એક ઓટોમેટિક વાવણીયો પણ વિકસાવ્યો છે.

    કાળુભાઈની આ સિદ્ધિને રાજ્ય સરકારે પણ બિરદાવી છે. તેમને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ ઉપરાંત જૂનાગઢ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમને રાજ્ય કક્ષાના “બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ”થી નવાજવામાં આવ્યા છે.

     

     

     

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
apply