મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ન્યાયિક વિલંબ ટાળવા મહત્વનું પગલું
Live TV
-
રાજ્યમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને કડક પગલું ભર્યું છે. હાઈકોર્ટના ચુકાદાઓ અને આદેશોના સમયસર અમલીકરણ માટે સરકારે એક સ્પષ્ટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે, જેનાથી કચેરીઓમાં થતા બિનજરૂરી વિલંબને રોકી શકાશે.
નવી માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ વહીવટી વિભાગ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારે છે, તો નાણા વિભાગના નિયમો અનુસાર તરત જ આગળની કાર્યવાહી કરવાની રહેશે. બીજી તરફ, જો ચુકાદો અસ્વીકાર્ય લાગે અને તેની સામે અપીલ કરવાનું પ્રાયોજિત હોય, તો કાયદા વિભાગની સલાહ લઈને નિયત સમયમર્યાદામાં જ કાનૂની કાર્યવાહી શરૂ કરવી અનિવાર્ય રહેશે. કાયદા વિભાગ દ્વારા ૨૯ જૂન 2024ના રોજ જારી કરાયેલા નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાની જવાબદારી સંબંધિત વહીવટી વિભાગના શિરે રહેશે.
અપીલ માટેની દરખાસ્ત તૈયાર કરતી વખતે હવે પારદર્શિતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. દરખાસ્ત સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજો 'ઇ-સરકાર' પ્રણાલીમાં હાઈપરલિંક સાથે અપલોડ કરવા પડશે. સક્ષમ અધિકારીની સહીવાળી ચેકલિસ્ટમાં વિલંબના કારણો સહિતની તમામ વિગતો સ્પષ્ટપણે દર્શાવવાની રહેશે, જેથી કાગળોની અછત કે પત્રવ્યવહારના અભાવે અપીલ પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય.
સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે અંતિમ તારીખે કાયદા વિભાગને દરખાસ્ત મોકલીને વિલંબ કરવાની પ્રથા હવે ચલાવી લેવામાં નહીં આવે. જો નિર્ધારિત સમયમર્યાદાનું ઉલ્લંઘન થશે, તો તેના માટે જવાબદાર અધિકારી સામે લાગુ નિયમો મુજબ કડક કાર્યવાહી કરવાની જવાબદારી સંબંધિત વિભાગના વડાની રહેશે.
જો રેકોર્ડ ઉપલબ્ધ ન હોય કે સેવા સંબંધી માહિતીના અભાવે નિયત સમયમાં આદેશનો અમલ કરવો અશક્ય બને, તો સંબંધિત વિભાગે સમય બગાડ્યા વગર હાઈકોર્ટમાં 'મિસ્લેનિયસ સિવિલ એપ્લિકેશન ફોર ટાઈમ એક્સટેન્શન' દાખલ કરીને વધારાનો સમય માંગવાનો રહેશે. આ અરજી મૂળ ચુકાદામાં નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ કરવાની રહેશેસરકારના આ નવા નિર્ણયથી વહીવટી તંત્રમાં જવાબદારીની ભાવના વધશે અને ન્યાયિક આદેશોના પાલનમાં ગતિશીલતા આવશે.
