પ્રાકૃતિક ખેતી અને યોગ થકી માનવજાતને સ્વસ્થ બનાવવા રાજ્યપાલનું આહ્વાન
Live TV
-
યોગ પ્રશિક્ષકો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો બંનેના સુગમ સમન્વયથી સમગ્ર માનવજાતને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યોગ પ્રશિક્ષકોને આહ્વાન કર્યું છે. દેવવ્રતે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યોગ કોચ, યોગ પ્રશિક્ષકો અને યોગ સાધકોને યોગ ક્લાસમાં આવતા લોકોને પ્રાકૃતિક આહાર લેવા માટે પ્રેરિત કરવા તેમજ તમામ લોકો સુધી પ્રાકૃતિક આહારનો પ્રચાર-પ્રસાર કરવા આહ્વાન કર્યું હતું.
વડોદરા શહેરના સયાજીનગર ગૃહ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ ‘યોગનો આધાર, પ્રાકૃતિક આહાર’ વિષયક પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રેરક સંબોધન કર્યું હતું. રાજ્યપાલે શહેરમાં માંજલપુર ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વિતરણ કેન્દ્રને ખુલ્લું મૂક્યું હતું. સૌ યોગ કોચ અને યોગ પ્રશિક્ષકોને આ મુહિમમાં જોડાવવા બદલ સાધુવાદ વ્યક્ત કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યોગ સાધના અને પ્રાકૃતિક આહારને સંયુક્ત રીતે મિશન મોડમાં ઉપાડી લેવા હાંકલ કરી હતી. તેમણે પ્રાકૃતિક આહારને તાત્કાલિક જીવનશૈલીનો ભાગ બનાવી કુદરતની મૂળ વ્યવસ્થામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
ગયા વર્ષે વિદેશથી રૂ. ૨.૫૦ લાખ કરોડની કિંમતનું રાસાયણિક ખાતર આપણા દેશમાં આયાત કરવું પડ્યું, તેવી ચિંતાજનક વાસ્તવિકતાને જણાવીને શ્રી દેવવ્રતે ધરતીમાતાનું ઋણ ચૂકવવા અને રાસાયણિક ખાતર થકી ઝેર ન પીરસવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે ધરતી માતા ઝેરયુક્ત બની છે. ધરતી માતાને ઝેર મુક્ત કરવા માટે રાજયપાલ આચાર્ય દેવવ્રતે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઉપાડયું છે. આ અભિયાનમાં યોગ બોર્ડ પણ જોડાઈ રાજ્યના દરેક ગામમાં યોગ પ્રશિક્ષકો અને યોગ સાધકો પ્રાકૃતિક આહારના સેવન અંગે લોકોમાં વ્યાપક જનજાગૃતિ ઊભી કરશે.
આ પરિસંવાદમાં ધારાસભ્ય કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ, પ્રકાશ વરમોરા, યોગ બોર્ડના સભ્યો, યોગ કોચ, યોગ પ્રશિક્ષકો, યોગ સાધકો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, નગરસેવકો સહિત શહેરીજનોએ ભાગ લીધો હતો.
