મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિ નિવારણ સેવાઓ માટે “ગુજરાત ફાયર સેફ્ટી કોપ” ઇ-પોર્ટલ લોન્ચ કર્યું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદ્રઢ અને ટ્રાન્સપેરન્ટ-પારદર્શી બનાવવાના હેતુસર “ગુજરાત ફાયર સેફ્ટી કોપ” ઇ-પોર્ટલ લોન્ચ કર્યું છે. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ તેના રિન્યૂઅલ સહિતની પ્રક્રિયા માટે ઓનલાઇન વ્યવસ્થાઓ વિકસાવવાની શરૂઆત કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. આગ સામે પ્રમાણમાં વધારે જોખમી હોય તેવી ઈમારતો, બહુમાળી મકાનો, હોસ્પિટલ્સ, હોટેલ કે શોપિંગ મોલ્સ, સ્કૂલ-કોલેજ બિલ્ડિંગ વગેરેની ફાયર સેફ્ટી સુવિધાઓ વિશે લોકોને સુપેરે જાણકારી મળી રહે તેવો ઇઝ ઑફ લિવિંગ વૃદ્ધિનો અભિગમ આ પોર્ટલ કાર્યરત કરવા પાછળ રાખવામાં આવેલો છે.
ફાયર રેગુલેશનના મુસદ્દા અંગે જાહેર વાંધા-સૂચનો મંગાવી તેનો હાઇ લેવલ ટેકનિકલ કમિટી દ્વારા અભ્યાસ કરીને જરૂરી સુધારા વધારા સાથે ફાયર નિયમો બનાવીને સરકારની મંજૂરી આપી છે. આગ સામે પ્રમાણ વધારે જોખમી એવી ઈમારતોની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને તેની રિન્યુઅલ પ્રક્રિયા પારદર્શી બનાવવા સમગ્ર રાજ્ય માટે એક સર્વગ્રાહી અને યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર બનાવીને મોબાઇલ એપની સુવિધા પણ આપવામાં આવી છે. જુદા-જુદા સ્તરે ફાયર સેફ્ટીની મંજૂરીઓ, સ્થાનિક ફાયર અને ઇમરજન્સી સર્વિસ હવે ફાયર સેફ્ટી કોમ્પલાયન્સ પોર્ટલ વેબસાઇટ https://gujfiresafetycop.in અને મોબાઇલ એપ પર મળી રહેશે.
રાજ્યમાં તમામ પ્રકારની ઈમારતો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટની બધી જ કામગીરીની માહિતી એટ વન ક્લિક દ્વારા રિયલ ટાઈમ ટ્રેકિંગ સાથે મળી શકશે. રાજ્ય સરકારે ફાયર સેફ્ટી ઓફિસર્સ તરીકે તાલીમ આપી સવા બસોથી વધુ ખાનગી વ્યવસાયિકોને FSO તરીકે સક્ષમ બનાવ્યા છે. ફાયર સેફ્ટી કોપની આ વેબસાઈટ કે મોબાઈલ એપમાં લોગ ઇન કરીને જરૂરી ઉપલબ્ધ વિકલ્પો પ્લાન એપ્રુવલ, સર્ટિફિકેટ એપ્રુવલ, સર્ટિફિકેટ રિન્યુઅલ માંથી જરૂરિયાત પ્રમાણેનો વિકલ્પ પસંદ કરી ૯ અલગ-અલગ સ્ટેપમાં જરૂરી માહિતી ભરવા સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ સબમિટ કરવાના રહેશે.
