પ્રાકૃતિક ખેતી એટલે ઑર્ગેનિક ખેતી નહીં, બંને વચ્ચેના ભેદને સમજવાની જરૂર છે : આચાર્ય દેવવ્રતજી
Live TV
-
પ્રાકૃતિક ખેતી એટલે જૈવિક ખેતી નહીં. નેચરલ ફાર્મિંગ એટલે ઑર્ગેનિક ફાર્મિંગ નહીં. કૃષિ વૈજ્ઞાનિકોએ પણ પ્રાકૃતિક કૃષિ અને ઑર્ગેનિક ખેતી વચ્ચેના મોટા ભેદને સમજવાની અને ખેડૂતોને સમજાવવાની જરૂર છે, એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે, ઑર્ગેનિક ખેતી એટલે કે જૈવિક ખેતી ઘણી ખર્ચાળ છે. તેમાં મહેનત ઘણી થાય છે અને ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થતી નથી. જ્યારે પ્રાકૃતિક ખેતી એટલે કે નેચરલ ફાર્મિંગ દેશી ગાય આધારિત ખેતી છે. જેમાં ઉત્પાદન ખર્ચ શૂન્ય છે, મહેનત પણ ઓછી છે, ઉત્પાદનની ગુણવત્તા અને પ્રમાણ બંને વધે છે. એટલું જ નહીં જમીનની ફળદ્રુપતા પાછી આવે છે. વર્તમાન પરિસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિનો કોઈ વિકલ્પ નથી. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ સમયની માંગ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જંગલોમાં વૃક્ષોને કોણ યુરિયા, ડીએપી કે કીટનાશક દવાઓ છાંટે છે? છતાં વનમાં પણ મોસમ આવે ત્યારે ફળ-ફૂલ સરસ રીતે ખીલે જ છે. જંગલના વૃક્ષોના પર્ણોને લેબોરેટરીમાં લઈ જઈને જોઈએ તો તે સ્વસ્થ-નિરોગી જ હોય છે. પ્રકૃતિ જંગલમાં જે પ્રક્રિયા કરે છે એ જ પ્રક્રિયા આપણા ખેતરમાં કરે એનું જ નામ પ્રાકૃતિક ખેતી. દેશી ગાયના ગોબર- ગૌમૂત્રમાંથી બનેલા જીવામૃત, ઘન જીવામૃતથી સૂક્ષ્મ જીવાણુઓ વિકસે છે જે જમીનને ફળદ્રુપ અને ઉપજાઉ બનાવે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મધ્યપ્રદેશના બુરહાનપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નિમાડ ઘાટી વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે આયોજિત પ્રાદેશિક કાર્યશાળાને વર્ચ્યુઅલી સંબોધતાં કહ્યું હતું કે, હું જાતે ખેડૂત છું અને મારી 200 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કર્યા પછી, તેના લાભો મેળવ્યા પછી મારા અનુભવના આધારે હું મારી વાત દ્રઢતાપૂર્વક મુકું છું. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદન ઓછું નહીં થાય. ભૂમિની ફળદ્રુપતા વધારતા ઓર્ગેનિક કાર્બનમાં વૃદ્ધિ થશે. તેમણે કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોને પડકાર ફેંકતા કહ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધારે ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં પણ વધારો થાય એ કોઈ સાબિત કરી બતાવે. એટલું જ નહીં, રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ્સના ઉપયોગથી ધરતીની ફળદ્રુપતા વધારવામાં સહયોગી થતા સૂક્ષ્મ જીવાણુઓ-મિત્ર કીટકો પણ નાશ પામે છે. પરિણામે ધરતી વેરાન અને બિનઉપજાઉ બનતી જાય છે.
તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી અન્ન, ફળ, શાકભાજીની ગુણવત્તા બગડી છે, ઝેર યુક્ત બન્યા છે. જેનાથી મનુષ્યમાં રોગનું પ્રમાણ વધ્યું છે. લોકોને પણ નિયમિત દવાઓ ખાવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. આ વીષચક્રમાંથી બહાર નીકળવાનો પ્રાકૃતિક ખેતી એક જ માર્ગ છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે તેમણે અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન વધે છે. પાકની ગુણવત્તા સારી થાય છે. સ્વાસ્થ્ય સુધરે છે. પર્યાવરણ સુધરે છે. ભૂમિ, હવા, પાણી પ્રદૂષિત થતા અટકે છે. એટલે આ પવિત્ર અને ઈશ્વરીય કાર્યમાં પ્રમાણિકતાપૂર્વક લાગી જવા તેમણે સૌ ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોને અનુરોધ કર્યો હતો.