પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, સાચા અર્થમાં 'ભક્તિ' છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Live TV
-
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવનમાં રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની પરિસ્થિતિની સમીક્ષા કરવા અને તેનો વ્યાપ વધારવા રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠક આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે યોજાઇ હતી. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરીને પ્રાકૃતિક ખેતીને હવે 'ભારતનું મિશન' બનાવી દીધું છે. ભારતના પ્રત્યેક રાજ્યને પ્રાકૃતિક ખેતી મિશનમાં જોડ્યા છે. ગુજરાતે આ 'મિશન'નું નેતૃત્વ કરવાનું છે. તેમણે એમ પણ કહ્યું કે, સૌને સ્વાસ્થ્યપ્રદ અન્ન મળે એ આપણી નૈતિક જવાબદારી છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, પણ સાચા અર્થમાં ભક્તિ છે. પર્યાવરણ, જન આરોગ્ય અને ભૂમિની ગુણવત્તા સુધારવાનો મહાયજ્ઞ છે. આ કામની જવાબદારી સંભાળતા સૌ કોઈએ પૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક આ કામમાં લાગવાનું છે.
ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તે પોતાનો ખેતી વિસ્તાર વધારે, પ્રાકૃતિક ખેત ઉત્પાદનો માટેની વેચાણ વ્યવસ્થા વધુ સૃદઢ થાય, પ્રાકૃતિક ખેતી માટે અનિવાર્ય એવી દેશી ગાયની સંખ્યામાં વૃદ્ધિ થાય અને નસલમાં સુધારો થાય, પ્રાકૃતિક ખેતી કરવા ઉત્સુક ખેડૂતોને ગોબર-ગૌમુત્ર, જીવામૃત-ઘનજીવામૃત, બીજામૃત અને અન્ય પ્રાકૃતિક ઔષધો સરળતાથી ઉપલબ્ધ થાય, ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં નિયમિત સંશોધનો કરે અને તેના પરિણામો ખેડૂતો સમક્ષ રજૂ કરે એ માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અત્યંત મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું અને તંત્રને સૂચનાઓ પણ આપી હતી.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પરિણામલક્ષી પ્રયત્નો પર વિશેષ ભાર મુકતાં કહ્યું હતું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રવ્રતજી પ્રાકૃતિક ખેતી માટે ભારે મહેનત કરી રહ્યા છે. તેમની સાથે સૌએ સંયુક્ત રીતે 'મિશન મોડ' પર કામ કરવાનું છે.
પ્રાકૃતિક ખેતી વાસ્તવિક અર્થમાં ખેડૂતો, સરકાર અને ભાવિપેઢી માટે ફાયદાકારક છે, તેમ જણાવીને મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કોઈ સૂચન હોય તો તેનો આવનારા બજેટમાં સમાવેશ કરી શકાય છે. મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી દ્વારા વધુને વધુ ખેડૂતો લાભાન્વિત થાય અને રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો થાય તે અંગે આયોજનબદ્ધ કામ કરવા સૂચવ્યું હતું.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષકુમાર બંસલ પણ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંયુક્ત સચિવ શ્રી પી.ડી.પલસાણા, આત્માના નિયામક શ્રી એસ.કે.જોશી, ગુજરાત રાજ્ય બીજ નિગમ લી. ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી પી.એસ.રબારી, પશુપાલન નિયામક શ્રીમતી ફાલ્ગુની ઠાકર, બાગાયત નિયામક શ્રી સી.એમ.પટેલ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી.કે. ટીંબડીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી.ચોવટિયા, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી આર.એમ.ચૌહાણ, આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રતિનિધિશ્રીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, કૃષિ-આત્મા વિભાગના અધિકારીઓ અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રતિનિધિશ્રીઓએ તેમના દ્વારા પ્રાકૃતિક ખેતી માટે કરવામાં આવી રહેલી કામગીરીની પ્રગતિથી રાજ્યપાલશ્રીને અવગત કર્યા હતા અને આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ કઈ રીતે વધી શકે તે બાબતે માર્ગદર્શન મેળવ્યું હતું.