બ.કાં.ના પારપડા ગામે અનોખો પ્રયોગ, વિદ્યાર્થીઓને શેરીમાં લાઉડ સ્પીકરથી ભણશે
Live TV
-
કોરોના કાળમાં સ્માર્ટ ફોન વિના પણ સ્માર્ટ શિક્ષણ ઘરે બેઠા જ પ્રાપ્ત થઈ શકે છે. જેનું ઉત્તમ ઉદાહરણ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળ્યું છે. બનાસકાંઠાના પારપડા ગામની મોટાભાગની વસ્તી ગરીબ તેમજ ખેતમજૂરી કરી જીવન ગુજારતી હોવાથી ગામમાં દરેક બાળક પાસે સ્માર્ટ ફોન નથી. જેથી જિલ્લા વહીવટી તંત્રની મદદથી પારપડા ગ્રામ પંચાયતે બાળકોને ઘરે બેઠા જ ભણાવવાનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
ગામમાં એક થી 8 સુધી અભ્યાસ કરતા 210 બાળકોને ભણાવવા માટે ગ્રામ પંચાયતે ગામની દરેક શેરી અને મહોલ્લાઓમાં લાઉડ સ્પીકર અને કેમેરા લગાવ્યા છે. શિક્ષકો ગ્રામ પંચાયતમાં બેસી દરરોજ સવારે 8 થી 11 વાગ્યા દરમ્યાન ધોરણ અને પિરિયડ પ્રમાણે માઇક દ્વારા ભણાવે છે, અને બાળકો પોતાના ઘર આંગણે તેમજ બહાર ઓટલા પર બેસી શિક્ષકોના અવાજ સ્પીકર પર સાંભળી અભ્યાસ કરે છે.
જૂન મહિનાથી જ પારપડા ગામમાં આ નવીન પદ્ધતિથી શિક્ષણ અપાતું હોવાથી કોરોના સંકટમાં પણ બાળકોના અભ્યાસનું કોઈ જ નુકસાન થયું નથી. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્નેમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
