બસના સ્ટિયરિંગથી ‘ક્લાયમેટ રથ’ના હેન્ડલ સુધી: એસ.ટી. ડ્રાઈવરની અનોખી પર્યાવરણ સેવા
Live TV
-
ખેડા જિલ્લાના માતર ગામના એસ.ટી. ડ્રાઈવર સમીર દિવાન ફરજ બાદ પોતાના ખર્ચે ‘ક્લાયમેટ રથ’ ચલાવી પર્યાવરણ જાગૃતિ ફેલાવી રહ્યા છે.
સવારે બસનું સ્ટિયરિંગ સંભાળતા સમીરભાઈ બપોરે ફરજ પૂર્ણ થયા બાદ પેડલ રિક્ષા લઈને ગામડાં, શાળાઓ, કોલેજો અને જાહેર સ્થળોએ પહોંચી લોકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે.વર્ષ 2013માં ઉત્તરાખંડમાં થયેલી ભૂસ્ખલનની ઘટનાઓથી પ્રેરાઈ તેમણે પર્યાવરણ માટે કંઈક કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારથી તેઓ પોતાની નોકરી ચાલુ રાખીને પોતાના સમય અને ખર્ચે પર્યાવરણ જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.‘ક્લાયમેટ રથ’ દ્વારા તેઓ વૃક્ષોનું મહત્વ, પાણી અને કુદરતી સંસાધનોનો બચાવ, કચરાના યોગ્ય નિકાલ તેમજ આબોહવા પરિવર્તન અંગે લોકોને જાગૃત કરે છે. સાથે જ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના અભિગમથી નકામી વસ્તુઓમાંથી આશરે 50 હજાર કચરાપેટીઓ બનાવી વિવિધ શાળાઓ અને જાહેર સ્થળોએ વિનામૂલ્યે વિતરણ કરી ચૂક્યા છે. તેમની આ કામગીરીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે.
સમીર દિવાનની નિઃસ્વાર્થ કામગીરીની નોંધ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લીધી છે. મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં તેમને પત્ર પાઠવી તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. વર્ષ 2024માં ગુજરાત સરકાર દ્વારા તેમને ‘ક્લાયમેટ ચેન્જ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમીરભાઈનું માનવું છે કે પર્યાવરણનું રક્ષણ માત્ર સરકાર કે સંસ્થાની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. તેમની કામગીરી એ સંદેશ આપે છે કે પરિવર્તન માટે મોટા હોદ્દા કે મોટા બજેટની નહીં, પરંતુ સારા વિચાર અને મક્કમ સંકલ્પની જરૂર છે.ગુજરાત સરકારે પણ આબોહવા પરિવર્તનના પડકારોને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બર, 2009ના રોજ અલગ ક્લાયમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું, જેણે ક્લાયમેટ ચેન્જ માટે અલગ વિભાગની રચના કરી હતી. આ પરિપ્રેક્ષ્યમાં સમીર દિવાન જેવા નાગરિકોના પ્રયાસો પર્યાવરણ સંરક્ષણમાં જનભાગીદારીને વધુ મજબૂત બનાવે છે.
