બૂલેટ ટ્રેન મુદ્દે ખેડૂતો આકરા પાણીએ, પ્રોજેકટનો કર્યો વિરોધ
Live TV
-
ખેડૂતોએ બજારના ભાવો કરતા ચાર ગણી રકમની કરી માંગણી.
નવસારીમાં ક્ષત્રિય પંચની વાડીમા બૂલેટ ટ્રેન પ્રોજેકટના અધિકારીઓ અને ખેડૂતોની બેઠક પડી ભાંગી હતી. પ્રોજેકટના સંદર્ભે ખેડૂતોને કેટલુ વળતર મળશે તે અંગેનું પ્રેઝન્ટેશન બતાવાયું હતું પરંતુ ખેડૂતોએ જમીનના બજારભાવની ચાર ગણી રકમ આપવા ઉપર ભાર મુકી પ્રોજેકટ સામે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો સાથે ઘર્ષણ ઉભુ ન થાય તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બેઠક માટે ખેડૂતોને જાણ ન થતાં તે પણ ઉહાપોહ થયો હતો. ખેડૂતોને એકબીજા મારફત જાણ થતાં બેઠમાં આવી પહોંચ્યા હતા. પ્રેઝનટેશનમાં સરકારે 2013માં નક્કી કરેલી જંત્રીના આધારે જમીનનું વળતર ચૂકવવાનું દર્શવાયુ હતુ.
નવસારી જિલ્લામાંથી પસાર થનારા બૂલેટ ટ્રેનનો ખેડૂતો શરૂઆતથી જ વિરોધ કરતા રહ્યા છે. 28 ગામોમાંથી પસાર થઈ રહેલી આ બૂલેટ ટ્રેન અંગે ખેડૂતોની અવારનવાર બેઠક થઈ રહી છે. નવસારી જિલ્લા બૂલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂત બચાવ સમિતિના અગ્રણી વિનોદભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારી-જલાલપોર તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ સી.પી. નાયક સહિત ખેડૂત અગ્રણીઓ અને અસરગ્રસ્ત ખેડૂતોની હાજરી પણ જોવા મળી હતી. પ્રોજેકટના સંદર્ભમાં રેલવે પ્રોજેકટના ગુજરાતના ચીફ મેનેજર પ્રદીપ આહિરકર સહિત અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
દરમિયાન બૂલેટ ટ્રેન સંદર્ભે જમીન વળતરનું પ્રેઝન્ટેશન કરાયું હતું પરંતુ ખેડૂતોએ તેમાં વાંધો ઉઠાવ્યો હતો અને અગાઉની માફક જ જમીનની બજાર કિંમતની ચાર ગણી રકમ ચૂકવવા સરકારને અનુરોધ કર્યો હતો. આ દરમિયાન ખેડૂત સમાજ તરફ એડવોકેટ સી.પી. નાયકે વાંધો ઉઠાવી અસરગ્રસ્ત ખેડૂતોને બેઠક અંગે જાણકારી કેમ ન આપવામાં આવી તે અંગે ખુલાસો માંગ્યો હતો. લોકો જ્યારે બૂલેટ ટ્રેનનો વિરોધ કરી રહ્યા છે ત્યારે સરકારે તે તરફે પણ વિચાર કરવા તેમણે અધિકારીઓને તાકિદ કરી હતી. જોકે વળતર સામે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને અસહમતિ દાખવી બેઠક છોડી 40થી વધુ ખેડૂતોએ ચાલતી પકડી હતી
આ ઉપરાંત ખેડૂત અગ્રણી વિનોદ દેસાઈ તથા અન્ય ખેડૂતોએ પણ ખેડૂતોની માગણીને વ્યાજબી ઠેરવી તમામ ખેડૂતોને બેઠક અંગે જાણકારી આપવા જણાવી નવેસરથી મિટિંગ બોલાવવા સૂચન કરતા એકંદરે આ બેઠક પડી ભાગી હતી. જેને લઈ આગામી દિવસોમાં પુન: આવી બેઠક બોલાવાય તેવી શક્યતા ઉભી થઈ છે. નવસારીમાં પણ ખેડૂતો બૂલેટ ટ્રેન સામે વિરોધ પ્રદર્શન કરશે તે અનુમાન સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતા ખેડૂત સમાજ તેનાથી લાલધૂમ થઈ ગયો હતો. ખેડૂતોએ બેઠક દરમિયાન ચાલતી પકડતા આગામી દિવસોમાં પુન: બેઠક બોલાવાય તેવી શક્યતા ઉભી થઈ છે.
છીણમમાં રેલવે યાર્ડ સામે ખેડૂતો સફળ રહ્યા હતા : અગાઉ નવસારી-જલાલપોર ખેડૂત સમાજે છીણમ નજીક બનનારા રેલવે યાર્ડ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. એ પછી છીણમમાં રેલવે યાર્ડ બનાવાયું ન હતું. નવસારી-જલાલપોર ખેડૂત સમાજ પુન: એકત્ર થઈને આ પ્રોજેકટ સામે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે તેની સફળતા સામે સવાલો ઉભા થયા છે ?બેઠકમાં સંકલનનો અભાવ જણાયો : બૂલેટ ટ્રેન પ્રોજેકટના અસરગ્રસ્ત ખેડૂતો સાથે અધિકારીઓએ કરેલી બેઠકમાં સંકલનનો અભાવ જણાયો હતો. અસરગ્રસ્ત 800 ખેડૂતો માંથી માંડ 250 ખેડૂતો જ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તેના કારણે જ ખેડૂતો સુધી બેઠક અંગે કોઈ માહિતી ન પૂરી પડાઈ હોવાના આક્ષેપો પણ બેઠક દરમિયાન થયા હતા.
ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો મળીને વિરોધ કરશે : લોકો અને ખેડૂતોની લાગણીને સમજ્યા વિના જ માત્ર વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે બૂલેટ ટ્રેન પ્રોજેકટ આગળ ધરાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ તે યોગ્ય નથી. ખેડૂત સમાજ તેનો વિરોધ કરશે. ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો આ બૂલેટ ટ્રેન મુદ્દે એક મંચ ઉપર આવશે અને વિરોધ નોંધાવશે. આગામી દિવસોમાં તેની રણનીતિ ઘડી કઢાશે. ખેડૂતો સાથે અન્યાય સહન નહીં થાય.
