બેચરાજી અને આસપાસના સાત ગામોને મળશે શહેરી વિસ્તાર જેવી સુવિધા
Live TV
-
બેચરાજી અને આસપાસના સાત ગામોને મળશે શહેરી વિસ્તાર જેવી સુવિધા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના સુપ્રિસદ્ધ શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી વિસ્તારની ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં બહુચર માતાના પ્રાચીન-પવિત્ર યાત્રાધામ સાથે શંખલપુર તીર્થ, વલ્લભ ભટ્ટની વાવ ઉપરાંત બેચરાજી નજીક આવેલા માંડલ-બેચરાજી એસ.આઈ.આર.માં મારૂતી સુઝુકીના પ્લાન્ટ અને 30 જેટલા નાના-મોટા ઉત્પાદન એકમો ધરાવતા આ સમગ્ર વિસ્તારનો રાજ્યના અન્ય શહેરોની જેમ વિકાસ થઈ શકે તેવી શક્યતાઓ ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાથી અંદાજે 45 કિલોમીટરના અંતરે રોડ-કનેક્ટિવિટીથી જોડાયેલા બેચરાજીને તેમજ બેચર-બેચરાજી ગ્રામ પંચાયત અને તેની આજુબાજુમાં થઈ રહેલા વિકાસને ભવિષ્યમાં સુઆયોજિત અને સુવ્યવસ્થિત કરવા તેમજ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા આ બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરી છે. ડેવલપમેન્ટ પ્લાન અને નગરરચના યોજનાઓથી રોડ-સ્ટ્રીટ લાઈટ-બાગ-બગીચા-ડ્રેનેજ જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ મળશે. નવા મૂડી રોકાણોની સંભાવનાઓ ઉજ્જવળ બનશે અને રોજગારીની નવી તકો ખૂલતાં સામાજિક આર્થિક વિકાસના નવા માપદંડ નક્કી થઈ શકશે.
