ભર ઉનાળે ભારે વરસાદની આગાહી, ખેડૂતોના માથે માવઠાનું સંકટ
Live TV
-
રાજ્યના ખેડૂતોના માથે માવઠાનું સંકટ સર્જાયું છે... આજથી 5 દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે... કમોસમી વરસાદથી ખેડૂતોના ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને ભારે નુકસાન ભીતિ સેવાઇ રહી છે.
હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ રવિવારે સવારથી જ રાજ્યના કેટલાક જીલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હતા. મહેસાણા, બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન ફૂંકાવાના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે. આજથી 5 દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહીને કારણે ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને નુકસાન થઇ શકે છે...
8 મે સુધી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા
રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ 40થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે. 7 અને 8 મે દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તા. 6 મેના રોજ ક્યાં પડશે કમોસમી વરસાદ ?
કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં મંગળવારે કમોસમી વરસાદની આગાહી છે.