ભારત-બ્રિટનના સંબંધો રાજ્યની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની કેપેસિટી બિલ્ડીંગમાં મહત્વપૂર્ણ બની રહેશે: મંત્રી ઋષિકેશ પટેલ
Live TV
-
ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને નવીનીકરણ સંદર્ભે ભારત અને બ્રિટનના સંબંધોને મજબૂત કરતી હાયર એજ્યુકેશન કોન્ફરન્સ અંતર્ગત ગુજરાત આવેલ યુ.કે. ડેલીગેશને મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. ડેલીગેશનમાં યુ.કે.ની વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર દ્વારા મંત્રી સમક્ષ શિક્ષણને લગતા વિવિધ સૂચનો, નવી ટેકનોલોજી સાથે જોઇન્ટ વેન્ચરના સ્કોપ, યુ.કે.માં અભ્યાસની તકો સંદર્ભે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં સંશોધન અને નવોન્મેષની તકો, SSIP અને સ્ટાર્ટ અપ સંદર્ભે ગુજરાતમાં કરવામાં આવી રહેલી કામગીરીથી ડેલીગેશનને માહિતગાર કર્યા હતા. તેમણે કહ્યું આ કોન્ફરન્સમાં વિવિધ વિષય પર થયેલ ચર્ચા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને નવા આયામો સિધ્ધ કરવામાં મદદરૂપ બનશે તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા સુધારાઓના રોડમેપ બનાવવામાં પણ કારગર નિવડશે.
બ્રિટીશ કાઉન્સિલના ડાયરેક્ટર એલીશન બેરેટ દ્વારા ગુજરાતની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને બિરદાવવામાં આવી હતી. તેમજ ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ માટે તેઓએ મંત્રીને શુભેચ્છા પાઠવી હતી. એલીશન બેરેટે કહ્યું કે આ એક્ટની કેટલીક જોગવાઇ સંદર્ભે આ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બ્રિટનમાં અભ્યાસ કરવાની તકો ઉજ્જવળ થશે.
NEPની વિવિધ જોગવાઈઓ દ્વારા ગુજરાતને આંતરરાષ્ટ્રીય ફલક પર અંકિત કરવા, ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટની અમલવારીથી આપણી યુનિવર્સિટીઓને વિશ્વ સ્તરીય બનાવવા, SSIP દ્વારા NIRF અને ICCR ક્ષેત્રે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાની સમુહ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.
