ભારત સરકારે ગત વર્ષની સરખામણીએ રવિ પાકોના ટેકાના ભાવમાં 2થી 7 ટકાનો વધારો કર્યો
Live TV
-
ભારત સરકારે વર્ષ 2023-24માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ 2થી 7 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણામાં 105 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડામાં 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલો વધારો કરાયો છે. વર્ષ 2022-23ની સરખામણીએ વર્ષ 2023-24માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂપિયા 105થી રૂપિયા 425 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2023-24માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂપિયા 2275 પ્રતિ ક્વિન્ટલ, જવ માટે રૂપિયા 1850 પ્રતિ ક્વિન્ટલ, ચણા માટે રૂપિયા 5440 પ્રતિ ક્વિન્ટલ, મસૂર માટે 6425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, રાયડા માટે રૂપિયા 5650 પ્રતિ ક્વિન્ટલ અને કસુમ્બી માટે રૂપિયા 5800 પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
