ભાવનગર : મહુવાના કળસારમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
Live TV
-
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળસારમાં ત્રિવેણી કલ્યાણ કાઉન્ડેશન, ગ્રામ નિર્માણ સમાજ અને ગ્રામ દક્ષિણામૂર્તિ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૫૫૧ ખેડૂત દંપત્તિઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીને પ્રકૃતિ સાથે જોડતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, જંગલની અંદર ઉછરતા ઝાડ-પાન, ફળ-ફૂલને કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી અને કુદરતી રીતે તેમાં તમામ ઓર્ગેનિક તત્વોની દેન પરમાત્માએ મુકી છે. ખેડૂતો હજુ પણ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળતા અચકાતા હોવાનું મુખ્ય કારણ કૃષિ પેદાશમાં ઘટાડો થશે એવી ચિંતા અને ડર હોવાનું રાજ્યપાલે જણાવતાં કહ્યું હતું કે, રાસાયણિક ખેતીમાં યુરિયા, ડી.એ.પી., જંતુનાશક દવાઓનો મોટાપાયે વપરાશ કરવો પડે છે. જે ખર્ચાળ છે અને જમીનને નુકસાન પણ કરે છે, જયારે પ્રાકૃતિક ખેતીમાં માત્ર ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા ઓછા ખર્ચે વધુ કૃષિ પાક લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહીં પરંતુ ઉત્તરોત્તર વધારો થતો જશે તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત એક દેશી ગાયના એક દિવસના ગોબર અને ગૌમૂત્રથી જ તૈયાર થઈ જશે, આ જીવામૃતના છંટકાવ થકી સૂક્ષ્મ જીવાણુઓ અને અળસીયાઓ ઓર્ગેનિક કાર્બન વધારવાનું કામ કરે છે, તેનાથી જમીન ફળદ્રુપ બને છે અને નિંદામણની જરૂર પડતી નથી, તેમણે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે, યોગ્ય રીતે પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે તો એક વર્ષની અંદર રાસાયણિક ખેતીની લગોલગ કૃષિ પેદાશ થઈ જશે અને દર વર્ષે ઉત્પાદનમાં સતત વધારો થતો રહેશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત દંપત્તિઓનું રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે આ તકે પ્રાકૃતિક કૃષિ પેદાશના પ્રદર્શનની મુલાકાત લીધી હતી તેમજ ખેતરમાં હળ ચલાવ્યું હતું. આ તકે રાજ્યપાલને પોલીસ બેન્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
