મહેમદાવાદના રાસ્કા વાંઠવાડી અને માંકવા પેટા આરોગ્ય કેન્દ્રોનું દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત
Live TV
-
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા, વાંઠવાળી અને માંકવા મુકામે નવા બનનારા પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનના ખાર્તમૂર્હત પ્રસંગે કેન્દ્રીય રાજયકક્ષાના સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સારવાર માટેના નવીન મકાનોથી નાગરિકોની આરોગ્યની સુખાકારીમાં વધારો થશે. 'પહેલું સુખ તે જાતે નર્યા', એટલે કે જો વ્યક્તિ પોતે શારિરીક અને માનસિક રીતે મજબૂત હશે તો તે તેના પોતાનો, કુટુંબ, ગામ, રાજય, દેશ તેમજ સમાજના વિકાસમાં મદદરૂપ થઇ શકશે એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની શાસન ધુરા સંભાળી અને ત્યાર બાદ દેશની શાસન ધુરા સંભાળી છે, ત્યારથી આપણે તેના સાક્ષી છીએ કે આ સરકારે છેવાડાના માનવીની આરોગ્યલક્ષી સેવાઓમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. બાળક જન્મે તે પહેલા તેની માતાના ગર્ભમાં હોય ત્યારથી લઈ વૃધ્ધ થાય ત્યાં સુધી તેના આરોગ્યની ચિંતા કરે છે અને તેને મળવા પાત્ર આરોગ્યના તમામ લાભો ઘેર જઇને પણ આપવામાં આવે છે. આયુષ્યમાન ભારત કાર્ડ રૂપિયા પાંચ લાખ સુધીની આરોગ્યની સેવાઓમાં મદદરૂપ થાય છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. મંત્રીએ ઉપસ્થિત જનમેદનીને સરકારની મળવાપાત્ર દરેક યોજનાઓનો લાભ લેવા જાહેર અપીલ કરી હતી. અહીં આ પેટા આરોગ્ય કેન્દ્ર થવાથી બિમાર વ્યક્તિઓને તરત જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળતી થશે જેનાથી ગ્રામ્ય નાગરિકોને ખૂબ જ લાભ થશે એમ જણાવી તેઓએ સરકારી સંસાધનોને સાચવવા તેમજ તેની સ્વચ્છતા જાળવી રાખવા પણ જાહેર અપીલ કરી હતી.
ગ્રામ વિકાસ અને ગ્રામગ્રૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આપણા મહેમદાવાદનું સીએચસી સેન્ટર ખેડા જિલ્લાનું શ્રેષ્ઠ સીએચસી સેન્ટર છે. સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા કટિબધ્ધ છે. ત્રણ પેટા આરોગ્ય કેન્દ્ર બનવવામાં આવશે અને દરેક આરોગ્ય કેન્દ્ર પાછળ અંદાજે 25.50 લાખ જેટલો ખર્ચ થશે. આમ, ત્રણેય સેન્ટરના મળી કુલ 78 લાખ જેટલો ખર્ચ થશે. આ ખર્ચ વર્ષ 2018-19ના બજેટમાંથી મંજૂર કરવામાં આવ્યો છે. આ બાંધકામ 100 ચો.મીના વિસ્તારમાં બનવાનું છે. મંત્રી અર્જુનસિંહ ચૌહાણે કોરોના કાળ દરમિયાન આરોગ્ય શાખા તરફથી થયેલ કામગીરીને બિરદાવી હતી.
