મહેસાણાઃ ઘુમાસણ ગામે ખેડૂતો જંતુનાશક દવાઓ મૂકશે લોકરમાં, ખેડૂતોમાં ખુશી
Live TV
-
ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા ચાલતા સ્પિરિટ (SPIRIT (Suicide Prevention & Implementation Research IniTiative) યોજના અંતર્ગત મહેસાણા જિલ્લાના ઘુમાસણ ગામે જંતુનાશક દવા મુક્ત "સામુદાયિક જંતુનાશક સંગ્રહ કેન્દ્ર" નામે લોકર મુકવામાં આવ્યા છે.
આજકાલ આત્મહત્યાના કેસો વધી રહ્યા છે. તેમાંયે ખાસ કરીને ખેડૂતો પરિવાર સહિત જંતુનાશક દવા થકી આત્મહત્યા કરી લેતા હોય છે. એક સર્વે મુજબ દેશમાં થતા આત્મહત્યામાં 28 % મૃત્યુ જંતુનાશક દવાઓના દુરપયોગથી થાય છે. આ માટે ખેડૂતો દ્વારા જંતુનાશક દવાના દૂરપયોગને અટકાવવા માટે અને આત્મહત્યાના બનાવો ન બને તે જ ઉદ્દેશથી ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા સ્પિરિટનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે.
આવું ન બને તે માટે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામે સ્પિરિટ યોજના અંતર્ગત જંતુનાશક દવા મુકત "સામુદાયિક જંતુનાશક સંગ્રહ કેન્દ્ર" નામે લોકર બનાવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગામના ખેડૂતો પોતાની જંતુનાશક દવાઓ લોકરમાં મૂકી શકે. જે મુકવા માટે ખેડૂતો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ખેડૂતોને ખેતરમાં દવાનો છંટકાવ કરવો હોય ત્યારે દવા લોકરમાંથી લઈ જઈ શકે છે અને કામ પૂરું થતાં દવા મૂકી જાય છે. આ માટે ખેડૂતોને અલગ-અલગ લોકર અપાયાં છે, જેની ચાવી ખેડૂત તથા તેમના ઘરના સભ્યો જોડે રહે છે.
આ લોકરની શરૂઆત ગત 24 જાન્યુઆરીએ ગ્રામ પંચાયતના સહયોગથી એક સામાજિક સંસ્થા દ્વારા કરાઇ છે. જેના માટે ગામમાં એક દુકાન બનાવી છે. જેમાં કુલ 180 લોકરો છે. જેમાંથી હાલ 50 ખેડૂતોએ નામ નોંધાવ્યાં છે અને આ લોકરોમાં ખેડૂતો જંતુનાશક દવાઓ મૂકવા લાગ્યા છે.
