મહેસાણાનાં કોચવામાં સરકારી પ્રાથમિક શાળાનું CMએ કર્યું લોકાર્પણ
Live TV
-
મહેસાણા તાલુકાનાં કોચવા ખાતે અવિરાજ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત હેમાગૌરી અશોકકુમાર બારોટ વિધાસંકુલનું કર્યું લોકાર્પણ. 3.5 કરોડના ખર્ચે શાળાનું નિર્માણ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ શાળાનું લોકાર્પણ કરાયું.
કોચવા ગામે શાળા લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આઝાદી બાદ સતત સમરસ ગામનું નિર્માણ કરીને આ ગામે અન્ય ગામોને પ્રેરક ઉદાહરણ પૂરું પડાયું છે. છેલ્લા દાયકાઓ બાદ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રીએ શપથ લઈને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર થકી અનેક વિકાસ કાર્યોની જનતાને ભેટ આપી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સરકાર સાથે નાગરિકો વિકાસ કાર્યમાં સહભાગી થાય તો વિકાસની ગતિ બેવડી થઈ જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની પરિકલ્પના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસ થકી સાથે લઈને ચાલવાની કાર્ય પદ્ધતિને આજે કોચવા ગામે પરિપૂર્ણ કરી છે.
મુખ્યમંત્રી પટેલે વધુમાં જણાવ્યું કે દાતા પરિવારે માતૃભૂમિનું ઋણ અદા કરી અન્ય દાતાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. આજે વધતી જતી ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા માટે ગ્રામજનોએ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વધુ વૃક્ષોનું વાવેતર કરીને એક નાગરિક તરીકેની ફરજ નિભાવી હરિયાળા ગામનું નિર્માણ કરવાનો સંકલ્પ થકી કોચવા ગામને કંચનપુર ગામ બનાવવા માટે સૌએ પહેલ કરવી જોઈએ.
CMએ કહ્યું, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003થી વાયબ્રન્ટ ગુજરાત થકી કરી છે. દેશ અને દુનિયામાં ગુજરાતનું મહત્વ ઔદ્યોગિક ક્ષેત્રે સતત વધી રહ્યું છે. જેના કારણે દુનિયાની 500થી વધુ કંપનીઓમાંથી 100થી વધુ ઔધોગિક એકમો ગુજરાતમાં આવેલા છે.
રાજ્યમાં રોજગારીના સર્જન માટે સ્કીલ ડેવલપમેન્ટ થાય તે માટે નમો સરસ્વતી યોજનાની પણ શરૂઆત કરાઈ છે. આ યોજના થકી ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા દિકરા-દીકરીઓને આર્થિક સહાય આપવાની શરૂઆત કરી છે. CMએ કહ્યું, કંચનપુર કોચવા ગામ મોડેલ ગામ બની અન્ય ગામોને પણ પ્રેરણા આપી રહ્યું છે.
આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ આધુનિક વિજ્ઞાનના યુગમાં બાળકોમાં સ્કીલ ડેવલપમેન્ટ થાય તે માટે આ પ્રકારની અદ્યતન નવીન સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે ગ્રામજનોને બાળકો ઉપર વિશેષ ધ્યાન આપી ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે સતત ફોલોઅપ લેવા માટે પણ સૂચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય ઋષિકેશ પટેલ,પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ,રાજ્યસભાના સાંસદ મયંક નાયક, મહેસાણા લોકસભા ના સાસંદ હરીભાઈ પટેલ, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, કડી ધારાસભ્ય કરશન સોલંકી, વિજાપુર ધારાસભ્ય ડો.સી.જે.ચાવડા, મહામંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ રજની પટેલ , જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર, પ્રમુખ, જીલ્લા પંચાયત મહેસાણા તૃષાબહેન પટેલ, જિલ્લા કલેકટર એમ.નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો.જસ્મીન હસરત, દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી,ઉપરાંત દાતા અશોકકુમાર વિજયસિંહ બારોટ પરિવાર તેમજ ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.
