મહેસાણામાં લોકસભા ચૂંટણી હેઠળ દિવ્યાંગજનોએ મતદાન જાગૃતિ માટે રેલીનું કર્યું આયોજન
Live TV
-
આશરે 26.26 લાખનું ફંડિંગ આ અભિયાન હેઠળ કરવામાં આવ્યું
લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાતમાં દિવ્યાંગ મતદારોની જાગૃતિ માટે દિવ્યાંગ વ્હીલચેર રેલી યોજાઇ હતી. ગુજરાત રાજ્ય સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી.ડી. પલસાણા તેમજ જિલ્લા કલેકટર એમ. નાગરાજને ફ્લેગ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
મહેસાણામાં લોકસભા ચૂંટણી 2024 તેમજ 26-વિજાપુર વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી યોજાવાની છે. તેના અંતર્ગત મતદાનના દિવસે અચૂક મતદાન કરાવવાના હેતુથી મહેસાણામાં દિવ્યાંગજનોની મદદથી વ્હીલચેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મહેસાણા જિલ્લા પંચાયતથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી યોજાઈ હતી. આ રેલીમાં 350 જેટલા દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો.
મહેસાણામાં 1037 મતદાન મથકોના સ્થળો પર વ્હીલચેર શિક્ષણ વિભાગને હસ્તાંતરિત કરવામાં આવી હતી. આ અનોખા સેવાયજ્ઞમાં સહકાર આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નોડલ એન. જી. ઓ. ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ જિલ્લામાં આવેલા અન્ય ઔધોગિક એકમ તેમજ કંપનીઓના સહયોગથી દિવ્યાંગ મતદારો માટે જિલ્લાના તમામ મતદાન મથકો પર વ્હીલચેર મૂકવામાં આવી છે. આશરે 26.26 લાખનું ફંડિંગ આ અભિયાન હેઠળ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગજનોએ વ્હીલચેર સાથેનો સક્ષમ લોગો બનાવીને અચૂક મતદાન કરીએનો મેસેજ આપ્યો હતો. દિવ્યાંગ મતદારો સુગમતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે, એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ બન્યુ છે. તો આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મીન, અધિક નિવાસી કલેકટર એસ. સી. સાવલીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટ, નાયબ જિલ્લા પોલીસ અધ્યક્ષક, મહેસાણા પ્રાંત અધિકારી ઋતુરાજસિંહ જાદવ, ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારો ઉપસ્થિત રહ્યા હતા.