મહેસાણા જિલ્લાનાં ધરોઈ ડેમ ખાતે વધ્યો પ્રવાસીઓનો ધસારો
Live TV
-
વૈશ્વિક કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાય સમયથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જવા પામ્યું હતું. કોરોનાનાં ડરને કારણે તેમજ સરકારી ગાઈડ લાઈન અનુસાર છેલ્લા ઘણાં સમયથી લોકો ઘરમાં પુરાઈ ગયા હતા. જો કે હાલ કોરોનાનાં કેસોમાં ઘટાડો થતાં આરોગ્ય વિભાગ તેમજ સરકારી તંત્ર દ્વારા લૉકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. જે અનુસાર કોરોના ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સીગ, માસ્ક તથા સેનેટાઈઝર સાથે ધાર્મિક તેમજ પ્રવાસન સ્થળો જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેથી ઘણાં સમયથી ઘરમાં પૂરાયેલા લોકો હવે ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ ફરવા જઈ રહ્યા છે. એમાં પણ ખાસ કરીને કુદરતી પર્યાવરણ અને પ્રકૃતિની ગોદમાં આવેલા નૈસર્ગીક સ્થળોએ લોકો ફરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
હાલ મહેસાણા જિલ્લા તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. અરવલ્લીનાં પર્વતોની ગિરિમાળામાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે પ્રકૃતિની ગોદમાં આવેલ રમણીય ધરોઈ ડેમનો નજારો ચોમાસામાં ખાસ જોવાલાયક હોય છે. ખાસ કરીને અહીં ચોતરફ હરિયાળી હોવાથી કુદરતે જાણે લીલી ચાદર પાથરી હોય એવું નયન રમ્ય દ્રશ્ય દેખાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરમતી નદી પર અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે વર્ષો પહેલાં ધરોઈ ખાતે બાંધવામાં આવેલા આ ડેમમાંથી ઉત્તર ગુજરાત ઉપરાંત અમદાવાદ સુધીનાં લોકોને પીવા માટે તેમજ સિંચાઇ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. હાલમાં રાજસ્થાનનાં ઉપરવાસમાં નહિવત પ્રમાણમાં વરસાદ થવાને કારણે ડેમમાં નવીન પાણી આવ્યું નથી જેના કારણે ડેમમાં પાણીનું લેવલ નીચું હોવા છતા લોકો ધરોઈ ડેમનાં પ્રવાસે આવી રહ્યા છે.
