મુખ્યમંત્રીએ કર્યું ઉપરકોટ કન્ઝર્વેશન રિસ્ટોરેશન કામગીરીનું નિરીક્ષણ
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢની ઐતિહાસિક વિરાસત એવા પૌરાણિક ઉપરકોટના કિલ્લાની મુલાકાત લઇ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ.૪૫.૯૧ કરોડના ખર્ચે ચાલી રહેલા ઉપરકોટના કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનના પ્રોજેક્ટનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ઉપરકોટમાં મુખ્ય પ્રવેશદ્વાર, નીલમ તોપ, રાણકમહેલ, અડી કડી વાવ, અનાજ કોઠા, બારૂદ ખાના, સાયકલ ટ્રેક તેમજ ર.પ કી.મી કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરી પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા પણ કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ પ્રવાસન અને તીર્થ સ્થળોનું ધામ છે. રાજ્ય સરકાર દ્વારા ગીરનાર ક્ષેત્રમાં પ્રવાસન વિકાસની કામગીરી બાદ મકબરા અને ઉપરકોટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરકોટ જેવો હતો તેવો જ તેનું પુરાતત્વીય સ્ટ્ર્કચર જળવાઈ રહે તે રીતે પુનઃસ્થાપિત કરીને લોકો સમક્ષ રજૂ કરવો છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ટુરીઝમ વિકાસ અને સર્કિટને જોડીને વિકાસ લક્ષી કામગીરી થાય અને પર્યટકો માટે સુવિધા વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે પ્રમાણે પ્રોજેક્ટ પૂર્ણ થઈ રહ્યા છે એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીની સાથે પ્રવાસન મંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રોજેક્ટ પૂર્ણ થયે રાજ્ય સરકારના પ્રવાસનને પ્રોત્સાહન આપવાની વિકાસ લક્ષી નીતિના પગલે પ્રવાસીઓને મુલાકાતીઓને જે વિશેષ સુવિધા મળવાની છે તે અંગે પરામર્શ કરી વિશેષ વિગતો આપી હતી.
