મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રેલવે રાજ્યમંત્રીની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ
Live TV
-
અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ-ડી.એફ.આઇ.સી સહિતના મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેક્ટસમાં કેન્દ્ર-રાજ્યના સુચારૂ સંકલન-અમલીકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રેલ્વે રાજ્યમંત્રીની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ. આ બેઠકમાં મહેસૂલ-માર્ગ મકાન-શહેરી વિકાસ મંત્રીશ્રીઓ-મુખ્ય સચિવ- વરિષ્ઠ સચિવો- રેલ્વે મંત્રાલયના અધિકારીઓની ઉપસ્થિત રહ્યાં.
બેઠકમાં ગુજરાતને કેન્દ્ર અને રાજયની ડબલ એન્જીન સરકારનો ફાયદો મળે છે ત્યારે રાજયના મહત્વ પૂર્ણ રેલવે પ્રોજેકટ નિર્ધારિત સમયમાં પૂરા થાય તેવી રેલ રાજય મંત્રીએ હિમાયત કરી હતી. અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ અન્વયે 98 ટકા જમીન સંપાદન કામગીરી રાજ્ય સરકારના સક્રિય સહયોગથી પૂર્ણ થવા અંગે કેન્દ્રીય રાજ્યમંત્રીએ આભાર વ્યકત કર્યો હતો. આબેઠકમાં કેન્દ્ર-રાજ્યના રેલવે સંબંધિત નાના-મોટા પ્રશ્નોના આંતરિક સંકલનથી નિવારણ માટે મુખ્યમંત્રીએ સૂચન કર્યું.
ઉપરાંત, મુખ્ય સચિવ કક્ષાએ દર મહિને કામગીરી સમીક્ષા-ફોલોઅપની બેઠક રેલવે અધિકારીઓ-રાજ્ય સરકાર વચ્ચે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશે ગુજરાતના રેલવે સંબંધિત વિવિધ પ્રોજેક્ટસમાં રાજ્ય-કેન્દ્રના સુચારૂં સંકલન અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
પી.એમ.ગતિશક્તિના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે ત્યારે ડી.એફ.આઇ.સી. હાઇસ્પીડ રેલ પ્રોજેકટ, રાજ્યમાં વિવિધ રેલ્વે લાઇનના ગેજ રૂપાંતરણ અને રેલ્વે ઓવરબ્રિજ તેમજ ઇલેકટ્રીફિકેશનના જે નાના-મોટા પ્રશ્નો છે તેનું ત્વરાએ પરસ્પર સંકલનથી નિવારણ લાવવાની દિશામાં આ બેઠક ફળદાયી બનશે. રેલ રાજય મંત્રી દર્શનાબહેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આગામી દિવસોમાં તેમના સુરત, ભરૂચ, નવસારીના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન આ હાઇસ્પીડ રેલની જે કામગીરી થઈરહી છે તેની પ્રગતિ નિહાળવા સ્થળ મુલાકાત કરવાનું પણ નિમંત્રણ પાઠવ્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં અધિકારીઓને જણાવ્યું કે, રાજ્ય-કેન્દ્ર વચ્ચેના રેલવે સંબંધિત જે પેન્ડીંગ ઇસ્યુ હોય તેનું નિવારણ એકબીજા સાથે સમજૂતી અને ચર્ચા-વિચારણાથી આવે તેવું વાતાવરણ ઊભું થવું જોઇએ. આ સંદર્ભમાં તેમણે મુખ્ય સચિવ પંકજકુમારને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર, રેલવે ઓવરબ્રિજમાં રાજ્ય-કેન્દ્રની ભાગીદારી સહિતના જે વિવિધ પ્રશ્નો છે તેના માટે ઇન્સ્ટીટયુશનલાઇઝડ વ્યવસ્થા ઊભી કરી એક માસ પછી સમગ્ર પ્રશ્નોના નિરાકરણની સમીક્ષા કરવા સૂચન કર્યુ હતું.
આ બેઠકમાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઇ મોરડીયા તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને રેલ્વે મંત્રાલયના તથા વેસ્ટર્ન રેલ્વે હાઇસ્પીડ રેલ કોર્પોરેશન, ડી.એફ.આઇ.સી.ના વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી થયા હતા.
