મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 27 એપ્રિલે જિલ્લા સ્વાગત કાર્યક્રમ અને રાજ્ય સ્વાગત યોજાશે
Live TV
-
‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો આ ઉપક્રમ આગામી તા.24 એપ્રિલે બે દાયકાની મંઝિલ પાર કરી 21માં વર્ષમાં પ્રવેશ કરશે.
રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી ગુજરાતે દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ તા.24 એપ્રિલ-2003થી શરૂ કર્યો હતો. જનફરિયાદ નિવારણની પહેલ ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’- ‘સ્વાગત’ હવે વિશ્વમાં ગુડ ગવર્નન્સની આગવી દિશાસૂચક પહેલ તરીકે પ્રસ્થાપિત થઇ ગઇ છે. પ્રજાજનોએ પોતાની ફરિયાદ અને રજૂઆતો માટે સ્થાનિક ફરિયાદો સાથે ઉચ્ચ કક્ષાએ કે, સચિવાલય સુધી આવવું જ ન પડે તેવી સ્થિતીના નિર્માણમાં આ ‘સ્વાગત’ કાર્યક્રમ એક સિમાચિન્હ બની ગયો છે.
તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર૦૦૩થી ‘સ્વાગત’ અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારને ફરિયાદ નિવારણ દિવસ તરીકે પ્રસ્થાપિત કરેલો છે. મુખ્યમંત્રી સ્વયં આ ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અરજદાર નાગરિકની રજૂઆત સાંભળે અને તેનું વાજબી નિવારણ લાવે તેવી સંવેદનશીલ પરિપાટી નરેન્દ્રભાઇએ વિકસાવી છે.
‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો આ ઉપક્રમ આગામી તા.ર૪ એપ્રિલે બે દાયકાની મંઝિલ પાર કરી 21માં વર્ષમાં પ્રવેશ કરશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. 11 થી 29 એપ્રિલ સુધી યોજવાના આયોજનને સામાન્ય વહીવટ વિભાગે મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં આખરી ઓપ આપ્યો છે. મુખ્ય સચિવ રાજકુમારે રાજ્યના જિલ્લા કલેક્ટરો, વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આ આયોજન સંદર્ભે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. 17 એપ્રિલ સુધી ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ હેતુસર સંબંધિત જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તાલુકાના મોટા ગામોની પસંદગી કરી અરજી સ્વીકારવા માટેના કેમ્પ યોજાશે. કેમ્પમાં મળેલી આવી અરજીઓનો તાલુકા સ્વાગતમાં સમાવેશ કરીને ઝડપથી નિરાકરણ લાવવા અને ગ્રામ સ્વાગતને સુદ્રઢ કરવા માટે નોડલ ઓફિસર તરીકે વર્ગ-2 ના એક અધિકારીની નિમણૂંક કરાશે.
15 એપ્રિલે શનિવારે બાયસેગ-સેટકોમ દ્વારા તલાટી, સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વાગત સપ્તાહ દરમ્યાન તા.24થી 26 એપ્રિલ સુધીમાં 33 જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં તાલુકા વાઇઝ સ્વાગત યોજવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત સપ્તાહ’ અન્વયે એપ્રિલ માસના અંતિમ ગુરૂવારે તા.27 એપ્રિલે રાજ્ય સ્વાગત કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. તેમજ જિલ્લા અને તાલુકા સ્વાગતમાં સપ્તાહ દરમિયાન રજૂ થયેલા પ્રશ્નો તેમજ તેના નિવારણની કામગીરીની સમીક્ષા કરશે.