મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર ખાતે મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર ખાતે મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.આ તકે મુખ્યમંત્રીએ મિલેટ્સ પાક સામગ્રી, પ્રાકૃતિક કૃષિ પેદાશો અને હસ્તકલાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને સ્ટોલધારકો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
રાજ્યની 8 મહાનગરપાલિકાઓ દ્વારા આજથી ત્રણ દિવસ સુધી મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જામનગરમાં આયોજીત મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મિલેટ મહોત્સવનું આજે ઉદઘાટન કર્યું. અહીં મિલેટ આધારિત વિવિધ સ્ટોલ ઉપરાંત દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ ઉજવણીના ભાગરૂપે વડોદરા, રાજકોટ, સુરતના વિવિધ તાલુકાઓમાં આજથી ત્રિ-દિવસીય મિલેટ એક્સ્પો પણ યોજાશે. આ એકસ્પોમાં મિલેટ વાનગીઓનું વેચાણ, સજીવ ખેતી અને કુદરતી ખેતીની પેદાશોનું વેચાણ તથા હસ્તકલા સ્ટોલ સહિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવથી પરંપરાગત જાડા ધાન્યો અંગે લોકજાગૃતિ કેળવાશે. મિલેટ મહોત્સવ નિમિત્તે ખેડૂતોને શ્રીઅન્ન પાકોના વાવેતર અને ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા તાલુકા કક્ષાએ મિલેટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.આ મિલેટ મહોત્સવ તા. 1 થી 3 માર્ચ દરમિયાન ત્રણ દિવસ સુધી ચાલશે.
મુખ્યમંત્રીએ જામનગર શહેર અને જિલ્લાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં જીલ્લા રમત સંકુલ, પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું. જામનગર મહાનગરપાલિકાના 247 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. જેમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, રેલવે ઓવર બ્રીજ, લેન ઓવર બ્રીજ, ફીલ્ટર પ્લાન્ટ સહિતના 22 વિકાસકામોનો સમાવેશ થાય છે.
જિલ્લા રમત સંકુલ બનાવવા માટે સરકાર દ્વારા આશરે 12 એકર જમીન ફાળવવામાં આવી છે. આ સંકૂલના નિર્માણથી જામનગર જિલ્લાની યુવા પેઢીને રમત ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા વિકસિત કરવાની તકો મળશે.