મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ હાટ ખાતે "આદિ મહોત્સવ"ને ખુલ્લો મુક્યો
Live TV
-
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર સ્થિત અમદાવાદ હાટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોએ અમદાવાદ હાટ ખાતે "આદિ મહોત્સવ"ને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે આદિજાતિ સમુદાયનો થયેલો વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. તેમણે કહ્યું કે, આદિ મહોત્સવ એ આપણા આદિજાતિ વારસાનું સન્માન અને ગૌરવ કરવાનો અવસર છે. આદિજાતિ સંસ્કૃતિ અને કળાને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે આવા આયોજનો જરૂરી છે. એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ આદિ મહોત્સવના આ આયોજનને વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરતું ગણાવી ઉમેર્યું કે, આદિ મહોત્સવથી આદિજાતિ સમુદાયના કારીગરોને આત્મનિર્ભર બનવા માટે આર્થિક આધાર મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આદિજાતિ સંસ્કૃતિને નવા ભારત સાથે જોડી આગળ વધારવાની નેમ છે. તેમણે કહ્યું કે જે આદિજાતિ સમુદાય અને માતૃભૂમિના રક્ષણ માટે ભગવાન બિરસા મુંડાના બલિદાનનું કેન્દ્ર સરકાર સન્માન કરે છે. અર્જુન મુંડાએ કહ્યું કે, આગામી સમયમાં આદિજાતિ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ વધારવા ખાસ યોજના લાવવાનું પણ કેન્દ્ર સરકારનું આયોજન છે. તેમણે અમદાવાદના નાગરિકોને આ આદિ મહોત્સવમાંથી ખરીદી કરીને આદિજાતિ સમુદાયના કારીગરોને પ્રોત્સાહન અને સન્માન આપવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં આદિજાતિ સમુદાયને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ થઈ રહ્યું છે. મુખ્યમંત્રીના પ્રોત્સાહક અભિગમને પગલે જ રાજ્યમાં 84 જેટલા વનધન કેન્દ્રો સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આયોજિત આ બીજો "આદિ મહોત્સવ" છે. જે ત્રીજી નવેમ્બર સુધી ચાલનાર છે. જેમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોના સ્ટોલ્સ પર હસ્તકલા અને આદિજાતિ સમુદાયની કળા અને સંસ્કૃતિને દર્શાવતી વસ્તુઓ મુકવામાં આવી છે. અગાઉ 2018 માં "આદિ મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું હતું.
