મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડાના કપડવંજમાં વિવિધ વિકાસકાર્યોનુ કર્યું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે અંદાજે 20.26 કરોડના ખર્ચે નિર્માણ થયેલ બે વિકાસ કામોનું લોકાર્પણ તથા આ બંને તાલુકામાં માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત વિભાગ દ્વારા 70.30 કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ રસ્તાઓના 68 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે જનસુવિધા અને જનસુખાકારીના કુલ 94.56 કરોડના 70 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે સાથે મુખ્યમંત્રીના હસ્તે મિશન મંગલમ, પીએમ જય, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં થયેલા વિકાસની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી ગામડાઓ અને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ ગુજરાતની ધૂંરા સંભાળી ત્યારે શું સ્થિતિ હતી અને અત્યારે તેમના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યના વિકાસની શું સ્થિતિ છે, તેની તુલના કરતા તે બાબત સમજી શકાય છે.
હવે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશનું ગૌરવ વધી રહ્યું છે. આર્થિક રીતે પણ આપણો દેશ સક્ષમ બની રહ્યો છે. આર્થિક મહાસત્તાના આંકમાં દેશનું અર્થતંત્ર પાંચમાં સ્થાને પહોંચ્યું છે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સૌના સાથ અને સૌના સહકારથી આગળ વધી રહ્યું છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, પૂર્વ મંત્રી મણીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, જિલ્લા ભાજપા પ્રમુખ વિપુલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મોનિકાબેન પટેલ અને રમીલાબેન,કલેકટર કે. એલ. બચાણી, અગ્રણીઓ, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
