મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના હિરપુરા ખાતે સાબરમતી નદી બેરેજ નિર્માણ અન્વયે બેરજની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિજાપુર તાલુકાના હિરપુરા ખાતે સાબરમતી નદી બેરેજ નિર્માણ અન્વયે હિરપુરા બેરજની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરી હતી. આ બેરેજ નિર્માણ થવાથી વિજાપુર તાલુકાના બે અને હિંમતનગર તાલુકાના ચાર મળી કુલ છ ગામોની અંદાજે 3200 હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા મળતી થશે. 214 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે આકાર પામનારા આ બેરેજની જળ સંગ્રહ ક્ષમતા 3.47 મિલિયન ઘન મીટર છે. મુખ્યમંત્રીએ આ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું, તે અવસરે નવસારીના સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ,રાજ્યના આરોગ્ય અને જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલ,જિલ્લા પ્રભારી અને રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તેમજ સંસદસભ્યો,ધારાસભ્યો અને જિલ્લાના અગ્રણીઓ તેમજ ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સ્પષ્ટ પણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ સંઘર્ષ કરીને નર્મદા યોજના પૂર્ણ કરાવી એટલું જ નહિ ઉત્તર ગુજરાત કચ્છ જેવા પાણીની અછત વાળા વિસ્તારોમાં પણ નર્મદાનું પાણી પહોંચાડી ખેતી માટે પાણી આપીને ખેડૂતને સક્ષમ કર્યો છે.
ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે ખેડૂતોને પૂરતું પાણી મળ્યું છે હવે પ્રાકૃતિક ખેતી તરફ વિશેષ ઝોક આપી લોકોને રાસાયણિક ખાતર મુક્ત અને વધુ સ્વાસ્થ્યપ્રદ ખોરાક,અન્ન આપવાની દિશા લેવાની છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ સરકાર ખેડૂતો,ગ્રામીણ લોકો,નાનામાં નાના માણસને પડતી મુશ્કેલીઓ ત્વરાએ નિવારવા સંકલ્પબદ્ધ છે. આવા લોકોની રજૂઆતોનો ઝડપથી ઉકેલ આવે અને તેમને યોગ્ય મદદ મળે તેવા જનહિત અભિગમથી કર્તવ્ય રત રહેવા તંત્ર વાહકોને તેમણે અનુગ્રહ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે આ તકે એમ પણ કહ્યું કે સરકાર ખેડૂતોને હમેશા પ્રાથમિકતા આપતી આવી છે અને આપતી રહેવાની પણ છે.