મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની કામગીરીની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રાજ્યમાં હાથ ધરાયેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. રાજ્યમાં આગામી બે મહિના સુધી આ અભિયાનને વધુ વ્યાપક બનાવીને સ્વચ્છતા સફાઈ અભિયાન આગળ ધપાવવા દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં શહેરી વિકાસ વિભાગ અને પંચાયત તથા ગ્રામ વિકાસ વિભાગ તેમ જ અન્ય સંબંધિત વિભાગોને આગામી આઠ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત સફાઈ સ્વચ્છતા કાર્યક્રમો યોજવા સૂચન કર્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યનાં 18 હજાર ગામોમાં 2.67 લાખથી વધુ કાર્યક્રમો યોજીને અંદાજે 3.92 કરોડ લોકોની જનભાગીદારીથી ગાર્બેજ-ફ્રી ભારતની નેમ પાર પાડવામાં આવી છે. એટલું જ નહીં, શહેરી ક્ષેત્રોમાં 26 હજારથી વધુ વિસ્તારોમાં લાખો લોકોની સહભાગીતાથી સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે સરકારી વસાહતો, કચેરીઓ, જાહેર સ્થળો, સાથે વોટરબોડીઝની સાફસફાઈને પણ સાંકળી લેવાનું આયોજન કરાશે.
રાજ્યનાં મહાનગરોમાં પ્રવેશમાર્ગોની હદથી પાંચ કિલોમીટર સુધીનો વિસ્તાર, નગર પાલિકા વિસ્તારમાં પ્રવેશમાર્ગોની હદથી 2 કિલોમીટર સુધીનો વિસ્તાર તેમ જ ગ્રામ વિસ્તારોમાં મુખ્ય રસ્તા, હાઈવેને જોડતાં મુખ્ય માર્ગોની ગ્રામ પંચાયતો દ્વારા દર રવિવારે અવશ્ય સાફસફાઈ થાય તેવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા-કોલેજો, જાહેર સ્થાનોની, રોજબરોજની સાફસફાઈ ઉપરાંત વધુ પ્રમાણમાં કચરો એકત્ર થતો હોય તેવાં સ્થળોની સફાઈ અને લીગસી વેસ્ટના યોગ્ય નિકાલ માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.
