શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને હાલોલ ખાતે 'વાઇબ્રન્ટ પંચમહાલ' કાર્યક્રમ યોજાયો
Live TV
-
રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે દર વર્ષે 'વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ'નું આયોજન થાય છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત-2024 અંતર્ગત જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહ હાલ ચાલુ છે. જેનો મુખ્ય ઉદ્દેશ જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય. હાલોલમાં ધી ગ્રાન્ડ ધ્વનિત બેન્કવેટ હોલ ખાતે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને 'વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ પંચમહાલ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 133.45 કરોડના કુલ 39 MoU કરવામાં આવ્યા હતા. જિલ્લાના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે B2B અને B2C કાર્યક્રમ તેમજ સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન પણ યોજાયું હતું. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જાહેર જનતા માટે 25 એક્ઝિબેશન સ્ટોલને શિક્ષણમંત્રી દ્વારા ખુલ્લા મુકાયા હતા. આ પ્રસંગે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને કીટનું વિતરણ અને બાજપાઈ બેંકેબલ યોજનાની સબસિડીના ચેક એનાયત કરાયા હતા.
વાઇબ્રન્ટ પંચમહાલ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ ઉદબોધન કર્યું હતું, તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત થકી દેશ - વિદેશના ઉદ્યોગકારોએ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરીને રોજગારની તકો ઊભી કરી છે. આ માટે સરકાર દ્વારા ઉદ્યોગો સ્થાપવા માટે સરળ નીતિઓ ઊભી કરાઈ છે. ગુજરાત વિકસિત, દીક્ષિત અને ધબકતું બને એ માટે આવતા વર્ષે વાઇબ્રન્ટની 20 વર્ષની ઉજવણીમાં 135 દેશોના ઉદ્યોગકારો ભાગ લેશે.
શિક્ષણમંત્રીએ પંચમહાલ જિલ્લાની વાત કરતા જણાવ્યું કે, વન પ્રોડક્ટ,વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત પંચમહાલ જિલ્લાનો પ્લાસ્ટિક ઉદ્યોગ રાજ્યમાં અગ્રેસર છે. જિલ્લામાં GIDC મારફતે સ્થાનિક રોજગારીની તકો તો વધી જ છે સાથે 5 હજાર જેટલા પરપ્રાંતિય લોકો પણ રોજગારી મેળવી રહ્યા છે.
