મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને FICCI FLOના મહિલા સદસ્યો વચ્ચે યોજાયો દ્વિપક્ષીય સંવાદ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી–લેડીસ ઓર્ગેનાઈઝેશન (FICCI–FLO)ની મહિલા સદસ્યો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન FICCI FLOના અધ્યક્ષ શિવાની પટેલ ઉપરાંત FICCI FLOની મહિલા સદસ્યાઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને મુખ્યમંત્રી સાથે વાર્તાલાપ કર્યો હતો
આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના નિર્માણમાં ગુજરાતની મહિલા ઉદ્યોગકારો નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. ગુજરાતના કોઈપણ સ્થળે મહિલા નીડરતાથી સુરક્ષિત રીતે વેપાર-ઉધ્યો કરી શકે તે પ્રકારની અનેક સુવિધાઓ રાજ્ય સરકારે ઉપલબ્ધ કરાવી છે. રાજ્ય સરકારની મહિલા ઉત્થાનની યોજનાઓ અને નીતિઓને પરિણામે આજે ગુજરાતની અનેક મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની રહી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ તેમણે સર્વગ્રાહી અને સર્વસમાવેશક વિકાસ પર ભાર મૂકીને દરેક ક્ષેત્રે અનેકવિધ નવતર પહેલ કરી છે. તેમણે ઉદાહરણ આપતા ઉમેર્યું હતું કે, જળ સંચય માટે PMએ “કેચ ધ રેઇન” અભિયાન, સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા “સ્વચ્છ ભારત મિશન” તેમજ ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે ગ્રીન કવરેજ વધારવા “એક પેડ માં કે નામ” જેવા અનેક અભિયાન તેમણે શરુ કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સેમીકંડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવીએ દેશને વિશ્વનું સેમીકોન હબ બનાવવા વડાપ્રધાનના પ્રયાસોથી ગુજરાતમાં સેમીકંડક્ટર ઉદ્યોગોએ રોકાણ કર્યું છે. પરિણામે હવે દેશની સૌપ્રથમ સેમીકંડક્ટર ચીપનું નિર્માણ પણ ગુજરાતમાં જ થશે. આટલું જ નહિ, વર્ષ 2003માં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ” જેવા ફ્લેગશીપ કાર્યક્રમનું તેમણે વિચારબીજ વાવ્યું. જેના પરિણામે આજે ગુજરાતમાં વિશ્વના ટોચના ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે.
આ ઉપરાંત અન્ય દેશો પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે તેમણે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવી આગવી પહેલ કરી છે. જેના પરિણામ સ્વરૂપે આજે સોઈથી લઈને વિમાન સુધીની અનેકવિધ પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ દેશમાં જ થઇ રહ્યું છે. રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર વધુ સરળીકરણ માટેના પ્રયત્નો કરી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી બનતા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત સરકારે વિવિધ પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે નાગરિકોના ચારિત્ર ઘડતરમાં મદદરૂપ થાય તે પ્રકારે “સાંસ્કૃતિક યોદ્ધા”ની પણ એક આગવી પહેલ શરૂ કરી છે.