મુસ્લિમ સમાજના લોકોએ કાઢી મહારેલી
Live TV
-
મુસ્લિમ ધર્મસ્થાનોમાં થતી તોડફોડના આરોપીઓને ઝડપી પકડવા માટે આવેદન પત્ર પાઠવ્યું.
મુસ્લિમ ધર્મસ્થાનોમાં થતી તોડફોડના વિરોધમાં કચ્છભરનો મુસ્લિમ સમાજ એક થઈ ભુજમાં મહારેલી સ્વરૂપે ઉમટી પડ્યો હતો. આરોપીઓને પકડવાની માંગણી સાથે તીરંગા અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે મુસ્લિમ સમાજના હજારો લોકોએ ભુજના ભીડનાકાથી લઈ ટાઉનહૉલ સુધી શાંતિપૂર્વક કૂચ કરી આરોપીઓને કોઈપણ સંજોગોમાં શોધી તેમની ધરપકડ કરવાની માંગણી સાથે વહીવટી તંત્ર સમક્ષ સમાજની સજ્જડ એકતા અને વિરાટ તાકાતનું પ્રદર્શન કર્યું હતું.
આ રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગત રાત્રિથી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. ઠેર ઠેર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સ્ટેશનન રોડથી ટાઉનહૉલ પાસે પહોંચેલી રેલી સમક્ષ જિલ્લા કલેક્ટર વતી ડેપ્યુટી કલેક્ટર નીતિન સાંગવાને રૂબરૂ આવી મુસ્લિમ સમાજનું આવેદન પત્ર સ્વિકાર્યું હતું. મુસ્લિમ સમાજે આગામી સત્તરમી તારીખ સુધીનું દસ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો દસ દિવસમાં તંત્ર આરોપીઓને નહીં પકડી પાડે તો ત્યારબાદ અનશન આંદોલન-ધરણાં જેવાં આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરાશે તેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જ્યુબિલી સર્કલથી લઈ છેક લાલ ટેકરી સુધી હજારોની સંખ્યામાં સર્વત્ર માનવ મહેરામણ જ દેખાતો હતો. રેલીમાં મુસ્લિમ સમાજનાં વિવિધ રાજકીય આગેવાનો અને ધર્મગુરૂઓએ પણ જોડાઈને અસામાજિક તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. મુસ્લિમ સમાજની વિરોધ રેલીને કોંગ્રેસ અને કરણી સેનાએ પણ સમર્થન જાહેર કર્યું હતું. તંત્રને આવેદન પત્ર આપ્યા બાદ હજારો લોકોનો માનવમહેરામણ શાંતિપૂર્વક વિખેરાઈ ગયો હતો.