મોડાસામાં પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ જળ સંચય અભિયાનની કરી શરૂઆત
Live TV
-
ગુજરાતમાં જળ સંચય અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા,માલપુર, ધનસુરા,બાયડ, મેઘરજ તાલુકાઓ લોકભાગીદારી દ્વારા શ્રમદાન તેમજ તળાવ ઊંડા કરવાની કામગીરીનો ઉત્સાહપૂર્વક શુભારંભ કરવામાં આવ્યો.

મોડાસા ખાતે માઝૂમ નદીના કિનારે પણ લોકોએ શ્રમદાન કરી નદીમાં સાફ-સફાઈ હાથ ધરી હતી, જેમાં પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી ખાસ જોડાયા હતા. તેમણે માઝૂમ નદીમાં જાતે જ શ્રમદાન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. મોડાસા નગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીને ઊંડી કરવા સહિત કચરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જળ સંચયના મહાઅભિયાનમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સહિત ગાયત્રી પરિવારના સભ્યોએ પણ શ્રમદાન કર્યું હતું. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેના માઝૂમ તટ પર જળ સંચય અભિયાનની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડ, મોડાસા નગર પાલિકાના પ્રમુખ વનિતાબહેન પટેલ સહિત જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ ખાસ જોડાયા હતા.

ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 58માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વર ના કોસમડી તળાવ થી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાનનો હેતુ છે કે, રાજ્યમાં વરસાદી પાણીનો સંગ્રહ વધુને વધુ થાય અને લોકોને પાણીની તંગીથી છૂટકારો મળે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક https://twitter.com/ankitchauhan111
