મોબાઈલની જીદ બાદ 11 વર્ષની બાળકીએ કર્યો આપઘાત, સુરતમાં હચમચાવતી ઘટના
Live TV
-
સુરતના વરાછા વિસ્તારમાં ધોરણ-6માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી રોલીએ આપઘાત કરી લેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ, રોલીએ માતા પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો, પરંતુ માતાએ ફોન આપવાનો ઇનકાર કરીને તેને પોતાની સાથે કામ પર લઈ જવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ રોલી ઘરમાં એકલી રહી ગઈ હતી અને થોડા સમય બાદ તેણે જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટના સમયે રોલીની નાની બહેનો ઘરની બહાર રમી રહી હતી. રોલીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. લાંબા સમય સુધી દરવાજો ન ખૂલતાં બહેનોએ રડવાનું શરૂ કર્યું હતું. માતા કામ પરથી પરત ફર્યા બાદ સ્થાનિકોની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો, જ્યાં રોલી ગંભીર હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. વરાછા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નિષ્ણાતોના મતે બાળકોમાં વધતો સ્ક્રીન ટાઈમ, સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ, એકલતા, અભ્યાસનું દબાણ અને પરિવાર સાથે સંવાદનો અભાવ તેમની માનસિક સ્થિતિને અસર કરી શકે છે. આવી ઘટનાઓ ટાળવા માતા-પિતાએ બાળકો સાથે ખુલ્લો અને સતત સંવાદ રાખવો, તેમની લાગણીઓને સમજવી અને મોબાઈલના ઉપયોગ અંગે ઉંમર પ્રમાણે નિયમો નક્કી કરવા જરૂરી છે. જો કોઈ બાળક આત્મહત્યા કે પોતાને નુકસાન પહોંચાડવાની વાત કરે, તો તેને ગંભીરતાથી લઈ તરત પરિવારના વિશ્વાસુ વ્યક્તિ, માનસિક આરોગ્ય નિષ્ણાત અથવા સ્થાનિક ઈમરજન્સી સેવાનો સંપર્ક કરવો જોઈએ.
