મોરબીઃ પાણીની સંભવિત અછતને ધ્યાને લઈ બ્રાહ્મણી-૨ ડેમમાંથી પાણી ચોરી અટકાવવા કલેક્ટરનું જાહેરનામું
Live TV
-
હાલના સંજોગો જોતા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પીવાના પાણીની સંભવિત અછતની પરિસ્થિતિને ધ્યાને લઇ મોરબી જિલ્લાનું તંત્ર સાબદું થયું છું. મોરબી જિલ્લા કલેક્ટર જે.બી પટેલે જાહેરનામું બહાર પાડ્યું છે કે, બ્રાહ્મણી-૨ જળાશયમાં પાણી ચોરી થતી અટકાવવા માટે નિરોધાત્મક કે અટકાયતી પગલા લેવામાં આવે. હળવદ બ્રાહ્મણી-૨ ડેમમાં પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવા આ જાહેરનામાનો અમલ ૨૪ જુન સુધી રહેશે.
જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે જિલ્લાના બ્રાહ્મણી-૨ મુખ્ય જળાશયોમાંથી પીવાના પાણીની બલ્ક પાઇપલાઇન/પીવાના પાણીની વિતરણ પાઇપલાઇનમાંથી કોઇ વ્યકિત કે સંસ્થાએ બિનઅધિકૃત રીતે ઇલેકટ્રીક મોટર/પમ્પ સેટ દ્વારા/ટેન્કર દ્વારા/બકનળીઓ દ્વારા/અન્ય કોઇ સાધનો દ્વારા પાણી ચોરી કરવી નહિ કે કરાવવી નહિ તેમજ કેનાલ/પાઇપલાઇન તોડી પાણી ચોરી કરવી નહિ કે કરાવવી નહિ. જિલ્લાના બ્રાહ્મણી-૨ મુખ્ય જળાશયના નિયત હદથી ૫૦૦ મીટર ત્રિજયામાં નવા બોર કરવા નહિ કે કરાવવા દેવા નહિ તેમજ બિનઅધિકૃત રીતે નવા ડીપવેલ, સબમર્શીબલ પંપ મુકવા નહિ કે કોઇપણ રીતે જમીનમાંથી પાણી ખેચવુ નહિ અને જળાશયોમાંથી પસાર થતી પાણી માટેની પાઇપલાઇન તથા કેનાલો સાથે ચેંડા કરવા નહિ કે પાઇપલાઇન તોડવી નહિ.
જિલ્લાના બ્રાહ્મણી-૨ મુખ્ય જળાશયના નિયત કરેલા વિસ્તારના ચાલુ બોર, કુવા, ડીપવેલ, સબમર્શીબલ પંપનું પાણી કોઇપણ વ્યકિત કે સંસ્થા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, મોરબીની પરવાનગી લીધા વિના વેચાણ કરી શકાશે નહિ કે કરાવી શકાશે નહિ. જિલ્લાના બ્રાહ્મણી-૨ ડેમ જળાશય જેમાં સરકાર દ્વારા પીવાના પાણીનો જથ્થો અનામત રાખેલ હોય તેવા જળાશયમાં સબમર્શીબલ પંપ/ડીઝલ પંપ/બકનળી/અન્ય કોઇ રીતે પાણી વાળી જળાશયમાંથી પાણી ખેતીમાં ઉપયોગ કરવો નહિ.