Skip to main content
Settings Settings for Dark

યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય

Live TV

X
  • રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં વર્ષ 2024-25માં અંદાજે કુલ 8.33 લાખથી વધુ પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન

    ભારતની પક્ષી સૃષ્ટિમાં ગુજરાત એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. વિશ્વની 9,000 પક્ષી જાતિઓ પૈકી 1,200 ભારતમાં છે, જેમાંથી 400થી વધુ પ્રજાતિઓ વિદેશી મહેમાન એટલે કે યાયાવર પક્ષીઓની છે. સાયબિરીયા, પૂર્વ યુરોપ અને મધ્ય એશિયાના ઠંડા પ્રદેશોમાંથી લાખો પક્ષીઓ દર વર્ષે ગુજરાતની મહેમાનગતિ માણે છે.

    પ્નરધાનમંત્રીએ ગુજરાતમાં પક્ષી અને વન્યજીવ સંરક્ષણ માટે જે પાયો નાખ્યો હતો, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીના માર્ગદર્શન હેઠળ ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પક્ષીઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય બન્યું છે. ગુજરાત તેની ભૌગોલિક વિવિધતાને કારણે યાયાવર અને સ્થાનિક પક્ષીઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. તાજેતરના સર્વેક્ષણો અને ૨૦૨૪-૨૫ની પક્ષી ગણતરી મુજબ, રાજ્યના મુખ્ય જળપ્લાવિત વિસ્તારો (Wetlands) પક્ષીઓથી ઉભરાઈ રહ્યા છે. અહીં મુખ્ય સ્થળો અને ત્યાં નોંધાયેલી પક્ષીઓની સંખ્યાની વિગતો છે:

    ૧. ખિજડીયા પક્ષી અભયારણ્ય, જામનગર

    જામનગરનું ખિજડીયા અભયારણ્ય પક્ષીઓની વિવિધતામાં મોખરે છે. અહીં કુલ ૩૩૪ જેટલી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. છેલ્લા એક વર્ષના ડેટા મુજબ, આ અભયારણ્યમાં અંદાજે ૩,૦૯,૦૬૨ પક્ષીઓ નોંધાયા છે, જે દર્શાવે છે કે આ વિસ્તાર પક્ષીઓ માટે ઉત્તમ પ્રજનન અને રહેઠાણની સુવિધા પૂરી પાડે છે.

    ૨. નળ સરોવર પક્ષી અભયારણ્ય

    ગુજરાતની પ્રથમ 'રામસર સાઇટ' તરીકે ઓળખાતું નળ સરોવર યાયાવર પક્ષીઓનું સૌથી મોટું કેન્દ્ર છે. ૨૦૨૪ની ગણતરી મુજબ અહીં ૧૭થી વધુ મુખ્ય પ્રજાતિઓના ૪,૧૨,૦૦૦થી વધુ પક્ષીઓ નોંધાયા છે. જો ઐતિહાસિક રીતે જોઈએ તો આ સરોવરમાં કુલ ૩૨૯ જેટલી વિવિધ પક્ષી પ્રજાતિઓ નોંધાયેલી છે, જે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વનું સ્થળ બનાવે છે.

    ૩. થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા

    અમદાવાદની નજીક આવેલું થોળ અભયારણ્ય પણ પક્ષીપ્રેમીઓ માટે મનપસંદ સ્થળ છે. અહીં મુખ્ય ૧૭ પ્રજાતિઓ સહિત કુલ ૫૫,૫૮૭ પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. થોળ તેની શાંત આબોહવા અને જૈવવિવિધતા માટે જાણીતું છે.

    ૪. વઢવાણા વેટલેન્ડ, વડોદરા

    વડોદરા જિલ્લાનું વઢવાણા તળાવ પણ પક્ષીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાવી રહ્યું છે. ૨૦૨૪-૨૫ના વર્ષમાં અહીં કુલ ૫૪,૦૦૦ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. જેમાં ૧૩૨થી વધુ પ્રજાતિઓનો સમાવેશ થાય છે, જે પૈકી કેટલીક સ્થાનિક છે અને ઘણી પરદેશી મહેમાન (યાયાવર) પક્ષીઓની છે.

    ૫. કચ્છ વિસ્તાર (પેસેજ માઇગ્રન્ટ્સ ૨૦૨૫)

    કચ્છનું રણ અને દરિયાકાંઠો પક્ષીઓ માટે 'રિફ્યુઅલિંગ સ્ટેશન'નું કામ કરે છે. વર્ષ ૨૦૨૫માં પેસેજ માઇગ્રન્ટ સર્વે અંતર્ગત અહીં ૨,૫૬૪ વિશિષ્ટ પ્રવાસી પક્ષીઓ નોંધાયા છે. આ પક્ષીઓ મધ્ય એશિયાથી આફ્રિકા તરફ જતા સમયે કચ્છમાં વિરામ લે છે, જે પર્યાવરણની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે.

    વન્યજીવ સંરક્ષણ-સંવર્ધન માટે વિવિધ પહેલ:

    રાજ્યમાં વર્ષ ૨૦૧૭થી દર વર્ષે વન વિભાગ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને સારવાર આપવા ‘કરૂણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે જેમાં, પતંગની દોરી સહિત વિવિધ રીતે ઘાયલ હજારો પક્ષીઓને યોગ્ય સારવાર આપીને મુક્ત કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૫માં ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા અંદાજે ૧૭ હજારથી વધુ પક્ષીઓનું રેસ્ક્યુ કરીને તેમની સારવાર કરવામાં આવી હતી.

    દર વર્ષે 5 જાન્યુઆરીએ ગુજરાત સહિત ભારતભરમાં ‘રાષ્ટ્રીય પક્ષી દિવસ’ની વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લુપ્ત થતા પક્ષીઓને બચાવવા નાગરિકો જાગૃત્ત થાય તે માટે દેશભરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યજીવો અને પક્ષીઓના સંરક્ષણ-સંવર્ધન માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે શિયાળામાં યાયાવર પક્ષીઓ ગુજરાતની ભૂમિને હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે, જે ગુજરાતના નાગરિકો માટે ગૌરવની
    સમાન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply